હિમાચલમાં પણ ભગવોઃ બમ્પર બહુમતી સાથે ભાજપની વિજય કૂચ

શિમલા: હિમાચલ પ્રદેશની ૬૮ વિધાનસભા બેઠક માટે ૯ નવેમ્બરે યોજાયેલ મતદાનના એક મહિના બાદ આજે થયેલી મત ગણતરીમાં કુલ ૬૮ બેઠકમાંથી ભાજપ ૪૩ પર આગળ છે, જ્યારે કોંગ્રેસ હાલ ૨૨ બેઠક પર આગળ છે અને અન્ય ત્રણ ઉમેદવાર આગળ છે. આ રીતે ભાજપે ૬૮ સભ્યના વિધાનગૃહમાં ૩૫નો આંકડો પાર કરીને આગેકૂચમાં ૪૨ પર પહોંચતાં હવે સ્પષ્ટ બહુમતી મેળવી લીધી છે.

સ્ટાર ઉમેદવારની વાત કરીએ તો ભાજપના સીએમ પદના ઉમેદવાર પ્રેમકુમાર ધુમલ સુજાનપરની બેઠક પર પાછળ ચાલી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં યોજાયેલ ચૂંટણી અંગે એક્ઝિટ પોલમાં પણ એવા સ્પષ્ટ સંકેત આપવામાં આવ્યા હતા કે આ રાજ્યમાં સત્તા પરિવર્તન થશે અને કોંગ્રેસની હાર થશે અને ભાજપ સત્તારૂઢ થશે. મત ગણતરીના પ્રવાહો પરથી ભાજપનો બહુમતી સાથે વિજય સુનિશ્ચિત છે.

રાજકીય નિરીક્ષકોએ એવું જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કશ્મકશ થશે, કારણ કે ચૂંટણી સમયે કોઈ પણ પક્ષની તરફેણમાં સ્પષ્ટ લહેર દેખાતી ન હતી. રસપ્રદ વાત એ છે કે આ રાજ્ય વર્ષ ૧૯૮૫થી વૈકલ્પિક રીતે ક્યારેક ભાજપને પસંદ કરે છે તો ક્યારેક કોંગ્રેસને ચૂંટતું આવ્યું છે. વર્ષ ૨૦૧૨માં કોંગ્રેસે ૩૬ બેઠક જીતી હતી, જ્યારે ભાજપને ૨૬ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો. અપક્ષને ૬ બેઠક મળી હતી. વર્ષ ૨૦૧૨માં અપમાનજનક પરાજયનો સામનો કર્યા બાદ ભાજપે રાજ્યમાં વાપસી માટે પૂરજોશમાં કોશિશ ચાલુ કરી દીધી હતી.

ભાજપ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અનેક રેલીઓ યોજી હતી, જ્યારે કોંગ્રેસે મુખ્યપ્રધાન વીરભદ્રસિંહના નેતૃત્વમાં ૨૦૧૨ના વિજયને દોહરાવવાની આશા વ્યક્ત કરી હતી. ધર્મશાળાની બેઠક પર ભાજપના કિશનચંદ અને કોંગ્રેસના સુધીર શર્મા વચ્ચે ભારે ટક્કર હતી અને મત ગણતરીના પ્રવાહો અનુસાર ધર્મશાળાથી કોંગ્રેસના સુધીર શર્મા હાલ પાછળ ચાલી રહ્યા છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પવનકુમાર પણ આ બેઠક માટે દાવો કરી રહ્યા છે.

ધર્મશાળાની બેઠક પર સૌથી વધુ ૧૨ ઉમેદવાર ચૂંટણી જંગમાં છે. વિસ્તારની દૃષ્ટિએ લેહ સ્પિતિ સૌથી મોટો મત વિસ્તાર છે, પરંતુ મતદારો સૌથી ઓછા છે. રાજ્યના મુખ્યપ્રધાન વીરભદ્રસિંહ સોલન જિલ્લાની અરકી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ અગાઉ તેમને ૨૦૧૨માં શિમલા ગ્રામીણ બેઠક પરથી ચૂંટણી લડી હતી.

આ વખતે આ સીટ તેમણે પોતાના પુત્ર વિક્રમ આદિત્યસિંહ માટે છોડી હતી અને પોતે અરકીની બેઠક પરથી ચૂંટણી લડી હતી. અરકીનો મુકાબલો ભાજપના નવા ઉમેદવાર રતનસિંહ પાલ સામે થઈ રહ્યો છે. મુખ્યપ્રધાન વીરભદ્રસિંહ અત્યારે ભાજપના ઉમેદવારથી આગળ ચાલી રહ્યા છે.

તેમના પુત્ર વિક્રમ આદિત્યસિંહ પણ શિમલા ગ્રામીણ બેઠક પર આગળ છે. કોંગ્રેસના આશાકુમારી ડેલહાઉસીની બેઠક પર આગળ છે. ૨૦૧૨માં સુધીર શર્મા ભાજપના ઉમેદવાર કિશન કપૂર સામે ૬૦૦૦ મતની સરસાઈથી જીત્યા હતા. ૨૦૦૭માં ભાજપના કિશન કપૂરનો વિજય થયો હતો.

મંડી વિધાનસભાની બેઠક પર મુકાબલો રસપ્રદ રહ્યો છે. અહીં પૂર્વ કેન્દ્રીય પ્રધાન સુખરામના પુત્ર અનીલ શર્મા ચૂંટણી લડી રહ્યા છે. ૯ નવેમ્બરે મતદાનના થોડા િદવસ પહેલાં તેઓ કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થયા હતા. તેઓ રાજ્યની કોંગ્રેસ સરકારમાં ગ્રામીણ વિકાસ પ્રધાન પણ હતા. તેમનો મુકાબલો હવે કોંગ્રેસના ચંપા ઠાકુર સામે છે કે જેઓ રાજ્યના આરોગ્યપ્રધાન અને પક્ષના દિગ્ગજ નેતા કૌલસિંહનાં પુત્રી છે.

હિમાચલ પ્રદેશની ૬૮ બેઠક માટે ૯ નવેમ્બરે યોજાયેલા મતદાનમાં ઈવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. હિમાચલમાં દર પાંચ વર્ષે સત્તા બદલવાનો ટ્રેન્ડ રહ્યો છે અને આ વખતે પણ હિમાચલની જનતાએ આ ટ્રેન્ડ ચાલુ રાખ્યો હતો. આમ ૨૦૧૭ની ચૂંટણી અપવાદરૂપ બનશે એવી અટકળ ખોટી પડી છે અને આ ટ્રેન્ડ ચાલુ રહ્યો છે અને હવે હિમાચલમાં પરિવર્તન સાથે ભાજપ સત્તારૂઢ થશે.

આજે સવારે પાંચ વાગ્યાથી મત ગણતરીની ફરજમાં લાગેલા કર્મચારીઓ ડ્યૂટી પર હાજર થઈ ગયા હતા. પ્રત્યેક મતદાન કેન્દ્રોમાં ૧૪ ટેબલ લગાવવામાં આવ્યા હતા. રાજ્યની સૌથી મોટી કાંગડાની ૧૫ બેઠકની મત ગણતરી ઉપમંડળો ખાતે કરવામાં આવી હતી. કાંગડામાં કુલ ૧૧,૮૩,૨૫૮ મતદાતા છે. જે પૈકી ૮,૫૭,૯૦૧ મતદારે મતદાન કર્યું હતું અને આમ કાંગડા જિલ્લામાં ૭૮.૬ ટકા મતદાન થયું હતું.

વિધાનસભાની તમામ ૬૮ બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી લડી હતી, જ્યારે બસપાએ-૪૨ બેઠક પર, સીપીએમએ-૧૪ બેઠક પર, એનસીપીએે-૨ બેઠક પર, સીપીઆઈએ-૩, એસપીએ-૨ અને ૧૧૨ અપક્ષ ઉમેદવારે ચૂંટણી જંગમાં ઝુકાવ્યું હતું.
હિમાચલમાં પક્ષવાર સ્થિતિ
પક્ષ આગળ જીત કુલ
ભાજપ ૪૧ ૦૩ ૪૪
કોંગ્રેસ ૧૯ ૦૧ ૨૦
અન્ય ૦૪ ૦૦ ૦૪
કુલ ૬૮

You might also like