અરુણાચલમાં ભાજપને મોટો ઝટકો: બે પ્રધાન, 12 ધારાસભ્ય સહિત 15 નેતા NPPમાં જોડાયા

(એજન્સી) ઈટાનગર, બુધવાર
લોકસભા ચૂંટણી પહેલાં પૂર્વોત્તર રાજ્ય અરુણાચલ પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. અરુણાચલમાં સત્તારૂઢ ભાજપના બે પ્રધાન અને ૧ર ધારાસભ્ય સહિત કુલ ૧પ નેતાઓએ એકસાથે પક્ષ છોડી દેતાં રાજકીય ભૂકંપ આવ્યો છે. આ તમામ ૧પ નેતાઓ ભાજપ છોડીને મેઘાલયના મુખ્યપ્રધાન કોનરાડ સંગમાની નેશનલ પીપલ્સ પાર્ટી (એનપીપી)માં જોડાયા છે. રસપ્રદ વાત એ છે કે મેઘાલયમાં એનપીપીની સરકારમાં ભાજપ પણ સાથી પક્ષ તરીકે સામેલ છે. મેઘાલયમાં ભાજપના બે ધારાસભ્ય છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર અરુણાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપ દ્વારા પક્ષના રાજ્ય મહાસચિવ અને પૂર્વ અધ્યક્ષ જારપુમ ગામલિન, ગૃહપ્રધાન કુમાર વાઈ, પર્યટન પ્રધાન જારકાર ગામલિન અને કેટલાક ધારાસભ્યને ટિકિટ નહીં અપાતાં તેમણે સાથે મળીને પક્ષ છોડવાનો મોટો નિર્ણય કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે અરુણાચલની ૬૦ વિધાનસભા બેઠકોમાંથી પ૪ સીટ માટે ઉમેદવારોનાં નામ પર ભાજપના સંસદીય બોર્ડે ગત રવિવારે મહોર લગાવી હતી. રાજ્યમાં ૧૧ એપ્રિલે લોકસભા ચૂંટણીની સાથે જ વિધાનસભા ચૂંટણી પણ યોજાવાની છે.

હાલ ભાજપના પેમા ખાંડુ અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન છે. ચૂંટણી સાવ નજીક છે ત્યારે જ વર્ષોથી પક્ષને વફાદાર એવા કુલ ૧પ નેતાઓ છેડો ફાડીને એનપીપીમાં જોડાતાં ભાજપની મુશ્કેલીઓ ખૂબ વધી ગઈ છે.

જારપુમ ગામલિને સોમવારે ભાજપના અરુણાચલ પ્રદેશના અધ્યક્ષ તાપિર ગાઓને પોતાનું રાજીનામું મોકલી આપ્યું હતું. તેઓ સોમવારથી જ ગુવાહાટીમાં જ છે, જ્યાં મેઘાલયના સીએમ કોનરાડ સંગમા સાથે તેમની મુલાકાત થઈ હતી. એનપીપીના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે જારપુમ, જારકાર, કુમાર વાઈ અને ભાજપના ૧ર વર્તમાન ધારાસભ્યએ એનપીપીના મહાસચિવ થોમસ સંગમા સાથે લાંબી બેઠક કરી હતી અને એનપીપીમાં સામેલ થવાનો નિર્ણય લીધો હતો.

કુમાર વાઈએ જણાવ્યું હતું કે ભાજપે ખોટા વાયદા કરીને લોકોના મનમાંથી પહેલાં જેવી પ્રતિષ્ઠા ગુમાવી દીધી છે. અમે ફક્ત ચૂંટણી જ નહીં લડીએ પણ અરુણાચલ પ્રદેશમાં એનપીપીની સરકાર પણ બનાવીશું. ભાજપના ૧ર ધારાસભ્ય ઉપરાંત પીપલ્સ પાર્ટી ઓફ અરુણાચલ (પીપીએ)ના એક એમએલએ અને ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓ પણ એનપીપીમાં જોડાઈ ગયા છે.

વર્ષ ર૦૧૪માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૬૦માંથી ૪ર બેઠકો પર જીત મેળવી હતી. ભાજપને ફક્ત ૧૧ અને પીપીએને પાંચ બેઠક પર જીત મળી હતી. કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી દેતાં રાજ્યમાં પેમા ખાંડુના નેતૃત્વમાં ભાજપની સરકાર બની હતી.

એનપીપીએ પૂર્વોત્તર રાજ્યની તમામ રપ લોકસભા બેઠક પરથી પોતાના ઉમેદવાર મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. પક્ષે મેઘાલયના ઉમેદવારોની યાદી જારી કરી દીધી છે.

You might also like