કોંગ્રેસ પાસેથી ભાજપે અમદાવાદ જિલ્લા પંચાયત આંચકી લીધી

અમદાવાદ: કોંગ્રેસ શાસિત અમદાવાદ જિલ્લા પંચાયતમાં અઢી વર્ષ બાદ સત્તા પરિવર્તન થઇને ભાજપનું કમળ ખીલ્યું હતું. જોકે અમદાવાદ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખપદની આજની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા હોર્સ ટ્રેડિંગનો આક્ષેપ મુકાતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું. પ્રમુખ તરીકે જિતેન્દ્રસિંહ ચૌહાણ, ઉપપ્રમુખ તરીકે ભાવિબહેન પટેલની વરણી કરવામાં આવી છે.

અમદાવાદ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના ૧૮ સભ્ય અને ભાજપના ૧૩ સભ્ય હોઇ કોંગ્રેસ પાસે બહુમતી હતી. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે સામાન્ય સભાનું આયોજન કરાયું હતું. કોંગ્રેસ તરફથી અમરસિંહ ઠાકોર અને ભાજપ તરફથી જિતેન્દ્રસિંહ ચૌહાણે પ્રમુખપદ માટે ઝંપલાવ્યું હતું. જ્યારે ઉપપ્રમુખપદ માટે કોંગ્રેસના અમરસિંહ સોલંકી અને ભાજપ તરફથી ભાવિબહેન પટેલ સ્પર્ધામાં હતા.

આજની સામાન્ય સભામાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સત્તા મેળવવા રાજકીય દાવપેચ ખેલાય તેવી ભારોભાર શકયતાને કારણે કોંગ્રેસના તમામ સભ્યોને રાજ્ય બહાર મોકલી દેવાયા હતા. છેલ્લા દસ દિવસથી આ સભ્યો અજ્ઞાતવાસમાં હતા. ગઇ કાલે રાત્રે તેઓ અમદાવાદ પરત ફરતાં કોંગ્રેસ મોવડી મંડળ દ્વારા શહેરની એક હોટલમાં રખાયા હતા.

દરમિયાન કોંગ્રેસ જિલ્લા પંચાયતમાં સત્તા જાળવી રાખે તેવી શકયતાની વચ્ચે કોંગ્રેસના અમરસિંહ ઠાકોર અને અમરસિંહ સોલંકી પ્રમુખ અને ઉપપપ્રમુખ તરીકે ચૂંટાઇ આવશે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચાતું હતું, પરંતુ આજે સવારે અચાનક જ રાજકીય સમીકરણ પલટાયાં છે.

અમદાવાદ જિલ્લા પંચાયતના કોંગ્રેસના છ સભ્યએ બળવો કર્યો છે. કોંગ્રેસના મનુજી ઠાકોર, જગદીશ મેણિયા, દેવકુંવરબા દાઇમા, ઇચ્છાબહેન પટેલ, ઠાકરશી રાઠોડ અને કાળુજી ઠાકોેરે ભાજપ તરફી મતદાન કરતાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે.

આ દરમિયાન અમદાવાદ જિલ્લા પંચાયતનાં કોંગ્રેસનાં સૂત્રોએ એવો આક્ષેપ કર્યો છે કે એક એક સભ્યને પક્ષમાંથી તોડવા માટે ભાજપે કરોડો રૂપિયાની રકમ ચૂકવી છે.

You might also like