VIDEO: કોંગ્રેસનાં વોટ ભાજપનાં જ ખાતામાં ગયાં છેઃ ભરતસિંહ સોલંકી

ગુજરાતઃ વિધાનસભા ચૂંટણી બાદ હવે કોંગ્રેસનાં નેતાઓ હારનાં કારણો પર મંથન કરી રહ્યાં છે. મહેસાણા ખાતે યોજાઈ રહેલી ચિંતન શિબિરમાં કોંગ્રેસની વચ્ચે આજે મહેસાણા અને પાટણની બેઠકો અંગે ચર્ચા થઈ હતી. જેમાં વોટની ગરબડીને લઈ મંથન કરવામાં આવ્યું હતું.

આ બેઠક બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતા ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યાં હતાં. ભરતસિંહ સોલંકીએ ભાજપ પર આક્ષેપ લગાવતા કહ્યું કે,”ભાજપ ખોટી રીતે જીતી રહી છે. EVMમાં ગરબડીનાં કારણે મોટા ભાગનાં કોંગ્રેસનાં વોટ ભાજપનાં જ ખાતામાં ગયાં છે.

ભાજપે જીત પહેલા જ આંકડો કહી દીધો હતો. જો કે તેમ છતાં કોંગ્રેસે જનતાનાં નિર્ણયનો સ્વિકાર કર્યો છે અને આગામી 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને હરાવીને જ રહેશે. કેમ કે કોંગ્રેસનાં નેતાઓ ક્યારેય હતાશ થતા નથી. ભાજપનાં મોટા મોટા દાવાઓ પોકળ સાબિત થયાં છે. EVM અંગે પણ કેટલીક ફરિયાદો અમને મળી હતી.”

ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી હવે પૂર્ણ થઈ ગઇ છે અને રાજ્યમાં ભાજપની સરકાર ફરી એક વાર બની ગઇ છે ત્યારે મહેસાણા પાસે એક ખાનગી રિસોર્ટમાં કોંગ્રેસની 3 દિવસની ચિંતન શિબિર શરૂ થઈ છે. જેમાં ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ સોલંકી સહિત અનેક કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં.

You might also like