ભાજપ પ્રદેશ પ્રમુખના મામલે ફરીથી વિલંબ

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ પદે ગુજરાતના અમિત શાહની પસંદગી જાહેર થઈ ચૂકી છે. પરંતુ ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખના તાજનું કોકડું છેલ્લા બે માસથી ચર્ચાઓ અને અટકળો વચ્ચે અટવાયું છે. અત્યંત આધારભૂત સૂત્રો જણાવે છે કે હજુ આ માસના અંત સુધીમાં પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થવાની શક્યતા ખૂબ જ ઓછી છે. જે બાબત હવે ફેબ્રુઆરી તરફ આગળ વધી ચૂકી છે. એક તબક્કે કમુરતાં પછી તુરત જ પ્રદેશ પ્રમુખનું નામ જાહેર થવાની શક્યતા હતી પરંતુ નામ બાબતે સર્વસંમતિ ન સધાતાં મામલો પાછો ઠેલાયો છે.

હાલના પ્રદેશ પ્રમુખ સૌરાષ્ટ્રના હોઈને હવે પછીના પ્રમુખ સૌરાષ્ટ્રના બદલે અન્ય તરફના હોવાની માંગ પક્ષમાં ઊઠી છે. ભાજપ શાસિત રાજ્યો મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા, ઝારખંડ અને છત્તીસગઢમાં પ્રદેશ પ્રમુખ નિમાઈ ચૂક્યા છે. હાલમાં અનેક નેતાઓનાં નામો પ્રદેશ પ્રમુખ તરીકે ચર્ચાઈ રહ્યાં છે પરંતુ આગામી દિવસો જ હવે નવા નામની જાહેરાત કરશે.

You might also like