ભાજપ સરકારની મહિલા સુરક્ષાની વાતો ફક્ત માર્કેટિંગ છેઃ રાહુલ

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમના ત્રણ દિવસના મધ્ય ગુજરાતના પ્રવાસ હેઠળ આજના છેલ્લા દિવસે છોટા ઉદેપુર, પંચમહાલ અને ખેડા જિલ્લાની મુલાકાત લેશે. દરમ્યાન છોટા ઉદેપુરના દરબાર હોલમાં આદિવાસી વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ સાથેના સંવાદમાં તેમણે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાના મામલે ભાજપ સરકાર પર આડકતરા આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારની મહિલા સુરક્ષાની વાત ફક્ત માર્કેટિંગ છે.

ગુજરાતમાં મહિલાઓને ડર લાગી રહ્યો છે તેવા એક વિદ્યાર્થિનીના પ્રશ્નનો જવાબ આપતાં તેમણે જણાવ્યું હતું કે, તમારી સરકાર તો મહિલા સુરક્ષાની વાતો કરે છે જ્યારે તમે સરકારનાં માર્કેટિંગથી અલગ વાત કરી રહ્યા છો. તેમણે ફરીથી રાજ્ય સરકારની શિક્ષણ નીતિ સામે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં બાર હજાર શાળાઓ બંધ થઇ ગઇ છે. ગુજરાત સરકાર શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચ કરતી નથી.

તેમણે છોટા ઉદેપુર વિસ્તારમાં વિકાસના દાવા છતાં પણ વીજળી કેમ નથી આવતી તેવા એક વિદ્યાર્થીના પ્રશ્નનો ઉત્તર આપતાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીને આ અંગે પૂછવાની સલાહ આપી હતી. આજે પણ તેમણે અદાણી પર પ્રહારો ચાલુ રાખ્યા હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે ઓસ્ટ્રેલિયામાં અદાણી સામે કેમ્પેન ચાલી રહ્યું છે તો ગુજરાતમાં કેમ નહીં ? બીજેપી સરકાર કેટલાક ઉદ્યોગપતિઓને સાચવવાનું કામ કરે છે.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ પ્રભારી અશોક ગહેલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રમુખો અર્જુન મોઢવાડિયા અને સિદ્ધાર્થ પટેલ તેમજ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલ વગેરે અગ્રણીઓ હાજર હતા દરમ્યાન તેઓ આજે બપોરે લીમખેડામાં આદિવાસી અધિકાર અંગે કોર્નર મિટિંગ કરીને દાહોદના શાલિયા ખાતે આવેલા કબીર મંદિરનાં દર્શન કરશે. ગોધરાના એક નાનકડા ગામના ઢાબામાં બેસીને તેઓ કુશળ મહિલાઓ સાથે વાતચીત કરશે અને સાંજે પ-૧પ કલાકે ખેડાના ફાગવેલ ખાતે આવેલ ભાથીજી મહારાજનાં મંદિરનાં દર્શન કરીને ત્યાં જન સંબોધન કરશે. આ દરમ્યાન રાહુલ ગાંધી મોડી સાંજે અમદાવાદ આવી સીધા એરપોર્ટથી જ દિલ્હી જવા રવાના થશે.

You might also like