ભાજપ સરકાર બેદાગ છે અને રહેશેઃ જાડેજા

અમદાવાદ: વિપક્ષ કોંગ્રેસે વાઈલ્ડ વૂડ રિસોર્ટસ અને રિયાલિટી પ્રા. લિ.ને ગીર અભ્યારણ્યની બાજુમાં અમરેલી જિલ્લાના ધારી તાલુકામાં સરકારી જમીન આ સરકારે પાણીના ભાવે ફાળવીને મોટું કૌભાંડ કર્યું છે. તેવો આક્ષેપ કાગનો વાઘ બનાવીને કર્યો છે. પરંતુ ભાજપ સરકાર બેદાગ છે અને રહેશે તેમ આજે ભાજપના પ્રદેશ પ્રવકતા આઈ કે જાડેજાએ જણાવ્યું હતું.

સમગ્ર કિસ્સામાં મુખ્યમંત્રી આનંદીબહેનના પુત્રી અનાર પટેલ અને પરિવારને ખોટી રીતે જોડીને કોંગ્રેસે પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે સફળ સુશાસન આપનારા આનંદીબહેનની નિષ્ઠા અને બેદાગ પ્રતિભા ઉપર કિચડ ઉછાળવાની વરવી પેરવી કરી છે. જાડેજાએ આ તથ્યવિહિન આક્ષેપો સામે સણસણતો જવાબ આપતાં જણાવ્યું છે કે, જે કંપનીએ સરકારી જમીન મેળવવા માટે અરજી ૨૦૧૦માં કરી હતી. તેને જમીન કાયદેસરની પ્રક્રિયા અવગણીને આપવામાં આવી છે કે જમીનના હેતુફેરથી સરકારે તેમને ફાયદો કરાવી આપ્યો છે તેવા કોઈ જ આધાર પુરાવાથી કોંગ્રેસે આપ્યા નથી એટલે આ સઘળા આક્ષેપો ઉપજાવી કાઢેલા અને મનઘડત છે તે સ્વંય સ્પષ્ટ છે.

વાઈલ્ડ વૂડ રિસોર્ટસ અને રિયાલિટી પ્રા. લિ. દ્વારા નિયમાનુસારની પૂર્વ પ્રક્રિયાઓ હાથ ધરીને જ બિન-ખેતી તરીકે જમીન ૨૦૧૧માં મેળવવામાં આવેલી છે. એટલે જમીનના હેતુફેરથી તેમને ફાયદો સરકારે કરાવી આપ્યો છે તે વાતનો છેદ આપોઆપ ઊડી જાય છે.

તેમણે ઉમેર્યું કે પાણીના ભાવે આ જમીન અપાઈ હોવાની વાત કરનારી કોંગ્રેસ અગાઉ સત્તામાં- સરકારમાં રહી ચૂકેલી છે એટલે તેમને એ ખબર તો હોવી જ જોઈએ કે જમીનનું વેલ્યૂએશન ત્રિસ્તરીય ઢબે જિલ્લા કક્ષાએ, મુખ્ય નિયોજક વેલ્યૂઅર કક્ષાએ અને ત્યારબાદ સ્ટેટ લેવલની કમિટી દ્વારા થાય છે અને પછી કેબિનેટમાં મંજૂર થાય છે આ સંપૂર્ણ પારદર્શી પ્રક્રિયામાં કયાંય કોઈ ઓછી મૂલ્ય આંકણીને અવકાશ જ નથી.

You might also like