મહેસાણા :ભાજપની કારોબારી, પાટીદારોનું ગઢ પોલીસ છાવણીમાં ફેરવાયું

અમદાવાદ: મહેસાણા દૂધ સાગર ડેરી ખાતે શરૂ થયેલી પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારી પાટીદાર ઈફેક્ટના કારણે કિલ્લેબંધીમાં ફેરવાઈ છે. ચાર ડીવાયએસપી, ૧૦ પીઆઈ, ૪૪ પીએસઆઈ, ૪૩૧ પોલીસ, ૫૩ મહિલા પોલીસ, એક એસઆરપી કંપની, વ્રજ વાહન અને વોટર કેનન સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

પાટીદારોનાં એપી સેન્ટર મહેસાણામાં પાટીદારોના આકસ્મિક કાર્યક્રમની સંભાવના સાથે આઇબી તંત્ર દ્વારા પાટીદાર વિસ્તારો અને આગેવાનો  ફરતી વોચ એક સપ્તાહથી ગોઠવાયેલી છે.

રાજ્યનાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલનાં નેતૃત્ત્વ હેઠળ યોજાયેલી બે દિવસની કારોબારી બેઠકમાં પક્ષના પદાધિકારીઓ, તમામ જિલ્લા પ્રમુખો રાષ્ટ્રીય સંગઠન મંત્રી વી.સતીશ, ગુજરાત પ્રભારી દિનેશ શર્મા, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી છે. રાજ્ય સરકારની કામગીરીને અભિનંદન આપતો ઠરાવ કારોબારીમાં રજૂ કરાયા બાદ પક્ષના આગામી કાર્યક્રમ સંગઠનાત્મક બાબતો અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી અંગેની બાબતો અને ચર્ચા હાથ ધરાશે. કુલ ૪૭૫થી વધુ કાર્યકર્તા કારોબારીમાં હાજર રહ્યા છે.

પક્ષના આગેવાનોને તેમના ઘરે ઉતારો આપવાની બાબતે પાટીદારોએ દૂર રહેવાનું પસંદ કર્યું છે. માત્ર બે પાટીદાર મંગળદાસ અને મનીષ પટેલે તેમને ઘરે મહેમાનોને ઉતારો આપ્યો છે અને તે પણ એક ઘેર ચારતી પાંચ વીઆઈપીના ઉતારાની વ્યવસ્થા કરાઈ છે. આખો મોઢેરા રોડ સૂમસામ છે. ભાજપ કારોબારીનું બેનર કે કેસરી ધજા મોઢેરા રોડ પર ફરકી નથી.

You might also like