મહાનગર અાયોજન સમિતિની ચૂંટણીમાં ભાજપના ૨૮ કોર્પોરેટરના મત રદ!

અમદાવાદ: રાજ્ય સરકારના આદેશથી અમદાવાદ મહાનગર આયોજન સમિતિનું ગઠન હાથ ધરાઇ રહ્યું છે. આજે સવારથી એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજમાં મત ગણતરીનો પ્રારંભ થયો છે. મત ગણતરી દરમ્યાન ર૮ કોર્પોરેટરના મત રદ થયા છે. જો કે કોર્પોરેશનમાં ભાજપની બહુમતિ હોઇ આયોજન સમિતિમાં ભાજપનો દબદબો રહેશે.

અમદાવાદ મહાનગર આયોજન સમિતિની ચૂંટણીમાં સ્ટેન્ડિંગ ચેરમેન પ્રવીણ પટેલ તેમજ સ્ટેન્ડિંગ સભ્ય ગૌતમ પટેલ, સુજય મહેતા, ગયાપ્રસાદ કનોજિયા, પૂર્વ મેયર અમિત શાહ પક્ષના નેતા બિપીન સિક્કા, ડેપ્યુટી મેયર પ્રમોદાબહેન સૂતરિયા તેમજ પૂર્વ પક્ષના નેતા મયૂર દવે, પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન મધુબહેન પટેલ તેમજ ભાવના નાયક વગેરેએ ઝંપલાવ્યું છે.

કોગ્રેસ તરફથી પક્ષ નેતા દિનેશ શર્મા, ઇકબાલ શેખ, સુરેન્દ્ર બક્ષી, અતુલ પટેલ વગેરે પક્ષના સાત ઉમેદવાર ચૂંટણીમાં ઊભા રખાયા છે. કેન્દ્રના મેટ્રો સિટીના વિકાસ માટેના પ્રોજેકટનું આ સમિતિ દ્વારા અમલીકરણ કરાશે. આ સમિતિની મુદત પાંચ વર્ષ માટે રહેશે. જો કે ચૂંટણી દરમ્યાન ભાજપના ર૮ કોર્પોરેટરે જરૂર કરતાં વધારે મત આપતાં તેમના મત રદ થયા છે. આમ ચૂંટણી દરમ્યાન ભાજપનો આંતરિક ઝઘડો બહાર આવ્યો છે તેવી પણ ચર્ચા ઊઠી છે.  આજની મત ગણતરી દરમ્યાન મેયર ગૌતમ શાહ, કોંગ્રેસના તૌફિકખાન અને જગદીશ રાઠોડ ગેરહાજર રહ્યા હતા.

દરમ્યાન કોંગ્રેસના પૂર્વ નેતા બદરૂદીન શેખે એવો આક્ષેપ કર્યો છે કે, રવિવારના મતદાન વખતે પણ ભાજપના સભ્યો ચૂંટણી પ્રચાર કરતા હતા.  જ્યારે ઇકબાલ શેખે કહ્યું કે, કોંગ્રેસને પ્રોરેટા મુજબ સમિતિમાં સ્થાન ન આપ્યું છતાં કોંગ્રેસના સભ્યોએ સવારના આઠ વાગ્યાથી મત ગણતરી કેન્દ્ર પર ઉત્સાહ દાખવ્યો હતો. અપક્ષ કોર્પોરેટર ઇમરાન ખેડાવાલાએ કહ્યું કે કોંગ્રેસ પણ વિપક્ષ તરીકે નિષ્ફળ ગઇ હોઇ મેં નોટાનો વિકલ્પ પસંદ કર્યા છે.  દરમ્યાન આયોજન સમિતિના ગઠનથી ચૂંટાયેલી પ્રતિનિધિઓ શોભાના ગાંઠિયા સમાન બનશે. કેમ કે આ સમિતિના ચેરમેન શહેરી વિકાસ પ્રધાન રહેશે. તેમજ મેયર સહિતના આઠ નોમિનેટેડ સભ્ય પણ રહેવાના છે.

You might also like