ભાજપના ભદોરિયાને પાટીદારોએ ભગાડ્યા

અમદાવાદ: પાટીદારોએ પોતાના વર્ચસ્વ ધરાવતા વોર્ડ, વિસ્તાર કે સોસાયટીમાં ખાસ કરીને ભાજપના ઉમેદવારોનો વિરોધ કરવાનું નક્કી કર્યું છે. જેના કારણે હાલના તહેવારોના દિવસોમાં ભાજપના ઉમેદવારોને ડોર ટુ ડોર પ્રચાર કરવામાં પણ ભારે કડવા અનુભવ થઈ રહ્યા છે. ગઈ કાલે સાંજે પાટીદારોએ ભાજપના અજય ભદોરિયાને પોતાની સોસાયટીમાંથી ભગાડ્યા હતા. ઠક્કરબાપાનગરની ભાજપની પેનલ જાહેર થતાની સાથે જ ભારે વિવાદાસ્પદ બની છે.

કૃષ્ણનગરની તોડફોડમાં સંડોવાયેલા ‘પાસ’ના સભ્ય દિક્ષીત પટેલને ભાજપે પાટીદારોને રાજી કરવા પેનલના એક ઉમેદવાર બનાવ્યા છે. જોકે પાટીદારોમાં દીક્ષિત પટેલનું કાર્ડ કેટલા અંશે કામયાબ નિવડશે તે તો ૨૨મી નવેમ્બરે ખબર પડશે, પરંતુ આજ પેનલના ચાલુ કોર્પોરેટર અજયસિંહ ભદોરિયા કાલે પોતાના ઠક્કરબાપનગર વોર્ડમાં આવેલી અમીકૂંજ સોસાયટીમાં પ્રચાર અર્થે ગયા હતા.

ભદોરિયાની સામે પાટીદાર મહિલાઓ મેદાનમાં આવી હતી અને થાળી-વેલણ વગાડીને તેમની વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. પરિણામે મોટી સંખ્યામાં યુવકો પણ એકઠા થઈ ગયા હતા અને ભદોરિયાને સોસાયટી છોડવી પડી હતી. આ અંગે અજય ભદોરિયા કહે છે કે આ ખોટી વાત છે. આવું કશું જ થયું નથી.

You might also like