ભાજપ અમને હરાવી શક્યો નહીં, ‘સામના’માં શિવસેનાના પ્રહારો

મુંબઈ: બીએમસીનાં પરિણામો જાહેર થઈ ગયાં છે. શિવસેના સૌથી મોટી પાર્ટી બનીને ઊભરી આવી છે. ભાજપે પણ શાનદાર દેખાવ કર્યાે છે. તેમ છતાં બીએમસી પર કોનું રાજ આવશે તે હજુ સ્પષ્ટ થતું નથી અને આ બાબતે સસ્પેન્સ છે, કારણ કે કોઈનેય સ્પષ્ટ બહુમતી મળી નથી. શિવસેના અને ભાજપ વચ્ચે ફરીથી દોસ્તી થશે એવી આશા વ્યક્ત થઈ હતી, પરંતુ આજે શિવસેનાના મુખપત્ર ‘સામના’માં જે લેખ છપાયો છે તેનાથી આ રહી સહી આશા પર પાણી ફરી વળ્યું છે.

શિવસેનાએ આજે ‘સામના’માં તંત્રી લેખમાં ભાજપ પર જોરદાર પ્રહારો કર્યા છે. મુંબઈ બીએમસીની ચૂંટણીનાં પરિણામોમાં સૌથી મોટા પક્ષ તરીકે ઊભરી આવ્યા બાદ શિવસેનાએ જણાવ્યું હતું કે તેમને પરિણામોની કોઈ પરવા નથી. મુખપત્ર ‘સામના’માં શિવસેનાએ જણાવ્યું હતું કે બીએમસીમાં ભાજપની જીત ચોક્કસ થઈ છે, પરંતુ તે અમને હરાવી શકી નથી. મરાઠી અસ્મિતા માટે શિવસેનાની લડાઈ ચાલુ રહેશે અને અમે હાર નહીં માને.

શિવસેનાએ લખ્યું છે કે કેટલાય ઘા ઝિલ્યા બાદ પણ શિવસેનાએ હાર માની નથી અને ભગવો ઝંડો હાથમાંથી સરકવા દીધો નથી. શિવસેનાએ સમગ્ર સરકાર વિરુદ્ધ લડત આપી હતી. ઉદ્ધવ ઠાકરેએ ૧૦માંથી આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની શાનદાર જીતને નકારી કાઢતાં જણાવ્યું હતું કે ભાજપને સત્તા અને રૂપિયાના જોરે જીત મળી છે. બીએમસીમાં શિવસેનાની સત્તા કાયમ રહેશે.ઉદ્ધવ ઠાકરેએ એવો પણ આક્ષેપ કર્યો છે કે મતદાર યાદીમાં ગરબડ થઈ અને તેની તપાસ થવી જોઈએ.

http://sambhaavnews.com/

You might also like