ભાજપના કોર્પોરેટરોએ પાર્ટી માટે રૂ. એકથી પાંચ લાખનું ભંડોળ ઉઘરાવ્યું!

(પ્રતિનિધિ દ્વારા)
અમદાવાદ: વિશ્વની સૌથી મોટી સભ્યસંખ્યા ધરાવતી પાર્ટી હોવાનો દાવો ભાજપનો છે. ભાજપ છેલ્લાં પાંચ વર્ષથી કેન્દ્ર-રાજ્ય અને શહેરમાં સત્તાસ્થાને છે એટલે ચૂંટણીફંડના મામલે આ પાર્ટી સ્વાભાવિકપણે ‘સધ્ધર’ ગણાય છે, જોકે બે-ત્રણ દિવસ પહેલાં શહેરના મેયર સહિતના ૧૪ર પક્ષના કોર્પોરેટરોએ પાર્ટી ચલાવવા નાગરિકો પાસેથી ફંડફાળો એકત્ર કરીને વ્યક્તિગત રીતે રૂ. ૧ લાખથી પાંચ લાખ સુધીની રકમ પાર્ટીમાં જમા કરાવીને શહેર ભાજપને લોકસભાની ચૂંટણીની મોસમમાં રાહત પહોંચાડી હતી.

મેયર બીજલબહેન પટેલ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટ અને પક્ષ નેતા અમિત શાહનું નેતૃત્વ ધરાવતી ભાજપની હાલની ટીમ ગત ઓક્ટોબર- ૨૦૧૫થી સત્તાસ્થાને છે. ભાજપની આ સતત ત્રીજી ટર્મ હોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પક્ષના કુલ ૧૪૨ કોર્પોરેટર છે.

તાજેતરમાં મેયર બીજલબહેન પટેલ સહિતના ટોચના છ હોદ્દેદાર તેમજ સ્પેશિયલ અગિયાર કમિટીના ચેરમેનને પક્ષ હાઈકમાન્ડ દ્વારા લોકફાળામાંથી રૂ. પાંચ લાખ અને કોર્પોરેટરને રૂ. એક લાખ એકત્ર કરવાની સૂચના અપાઈ હતી. જે તે કોર્પોરેટર અને હોદ્દેદારને ફંડફાળો ચેકથી ઉઘરાવવાની તાકીદ કરીને જે તે રકમ ધરાવતી પહોંચ બુક અપાઈ હતી.

છેલ્લા કેટલાક દિવસથી નિર્ધારિત રકમને એકઠી કરવા માટે કોર્પોરેટરો મહેનત કરતા હતા. કોર્પોરેટરોએ ઉઘરાવેલી રકમ શહેર ભાજપના મહામંત્રી અને પૂર્વ વોટર સપ્લાય કમિટીના ચેરમેનને સુપરત કરાઈ છે.જોકે આ અંગે શહેર ભાજપનાં સૂત્રો કહે છે કે આ ફંડફાળો એકઠો કરવાની બાબતને લોકસભાની ચૂંટણી સાથે કોઈ લેવા-દેવા નથી. પંડિત દીનદયાળ ઉપાધ્યાય સમર્પણનિધિ હેઠળ દર બે વર્ષે આ રીતે ફંડ ઉઘરાવાય છે.

બીજી તરફ આચારસંહિતા અમલમાં મુકાતાં ગઈ કાલ સાંજથી મેયર સહિતના ટોચના હોદ્દેદારો તેમજ અગિયાર સ્પેશિયલ કમિટીના ચેરમેને પોતાને ફાળવાયેલી ગાડીની ચાવી તંત્રને સુપરત કરી હતી.

You might also like