ભાજપના કોર્પોરેટર સહિત ૧૦ લોકો જુગાર રમતાં ઝડપાયા

અમદાવાદ: શહેરના છેવાડે આવેલા બોપલ વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં દિવસે રમાતા જુગારધામ પર ગ્રામ્ય એલસીબીની ટીમે દરોડો પાડી બોપલ નગરપાલિકાના કોર્પોરેટર સહિત ૧૦ લોકોને રોકડ રૂપિયા અને મોબાઈલ સહિત કુલ રૂ. ૬.૬૫ લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. દરોડા દરમિયાન એક વ્યક્તિ નાસી જવામાં સફળ રહી હતી.

ગ્રામ્ય એલસીબીનાં સૂત્રોના જણાવ્યા મુજબ ગ્રામ્ય એલસીબીની ટીમને બાતમી મળી હતી કે બોપલમાં આવેલી વ્રજધામ સોસાયટીમાં વિનોદભાઈ ડાહ્યાભાઈ પટેલના મકાનમાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે, જેના આધારે પોલીસે મકાન પર દરોડો પાડી વિનોદભાઈ પટેલ સહિત દસ લોકોને જુગાર રમતાં ઝડપી પાડ્યા હતા.

બોપલ નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર વિનોદભાઈ પટેલ અને કેટલાક મિત્રો શ્રાવણ મહિનો ચાલતો હોઈ શ્રાવણિયો જુગાર દિવસના સમયે કોઈને શંકા ન જાય તે રીતે મકાન બંધ કરી રમતા હતા. પોલીસે દરોડો પાડતાં કોર્પોરેટરે રોફ જમાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પોલીસે રેડ કરી હોઈ તેમની સામે કાયદેસરનો ગુનો નોંધી બોપલ પોલીસને સોંપ્યા હતા અને બાદમાં જામીન પર મુક્ત કર્યા હતા.

You might also like