ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે અથડામણઃ કોંગી કાર્યકરનો પંજો કપાયો

અમદાવાદ:  ઊના ટાઉનમાં ગઈ રાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે સશસ્ત્ર ધિંગાણું થતાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને ટાઉનમાં સોપો પડી ગયો હતો. ધિંગાણાંમાં બંને પક્ષોના કાર્યકરોએ અામને સામને અાવી જઈ તલવારો, લાકડીઓ, પાઈપોથી હુમલા કરતાં અનેક કાર્યકરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. જેમાં એક કોંગ્રેસ કાર્યકરનો હાથનો પંજો કપાઈ જઈ જુદો પડી ગયો હતો. ઊના ટાઉનની મધ્યમાં અાવેલા ત્રિકોણબાગ ખાતે ગઈ કાલે મોડી સાંજે કોંગ્રેસ અને ભાજપના કાર્યકરોના બે જૂથો વચ્ચે તાજેતરમાં યોજાયેલી નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી વખતની અદાવતના કારણે ઉગ્ર બોલાચાલી થયા બાદ જોરદાર અથડામણ થઈ હતી અને જોતજોતામાં જ બંને પક્ષોના કાર્યકરોએ લાકડીઓ, તલવારો, ધારિયાં અને પાઈપો જેવાં હથિયારો સાથે સામસામે અાવી જઈ એકબીજા પર હુમલો કરતાં ભારે નાસભાગ મચી ગઈ હતી અને વેપારીઓએ પોતાની દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી.

તલવારથી થયેલા હુમલામાં કોંગ્રેસના કાર્યકર યોગેશ બાંભણિયાના હાથનો પંજો કપાઈ જઈ જુદો થઈ ગયો હતો જ્યારે ભીખાભાઈ નામના કાર્યકરને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. અા ઉપરાંત એકબીજા પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા દસ કાર્યકરોને નાની મોટી ઈજાઓ થવાથી તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા. ઊનામાં બનેલા અથડામણના અા બનાવના કારણે ભારે ભયનો માહોલ સર્જાયો હતો અને રાતભર સ્થિતિ અજંપાભરી રહી હતી. પોલીસે સમગ્ર ટાઉનમાં બંદોબસ્ત ગોઠવી પેટ્રોલિંગ જારી રાખ્યું છે.

You might also like