ભાજપ અને કોંગ્રેસ હાઈકમાન્ડની ઈચ્છા-અનુસાર પ્રોરેટા બનશે

અમદાવાદ: કોર્પોરેશનમાં ર૦૧પથી ર૦ર૦ સુધી ભાજપનું શાસન ચાલશે, જોકે આ નવા શાસનકાળમાં વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસના કોર્પોરેટરો સ્ટેન્ડિંગ કમિટી સહિતની કમિટીઓમાં સ્થાન મેળવવા માટે અત્યારથી જ તલપાપડ બન્યા છે. જોકે તેમને સ્થાન મળશે કે કેમ? તે બાબત ભાજપ અને કોંગ્રેસ હાઇકમાન્ડની ઇચ્છા-અનિચ્છા પર નિર્ભર રહેશે.
છેલ્લી ર૦૧૦થી ર૦૧પની ટર્મમાં કોંગ્રેસ વિરોધ પક્ષ તરીકે હતું. તે વખતે કોંગ્રેસને શરૂઆતના કામમાં કોર્પોરેશનમાં સર્વોચ્ચ લેખાતી સ્ટેન્ડિંગ કમિટી સહિતની કમિટીઓમાં પ્રોરેટા પ્રમાણે સ્થાન અપાયું હતું. કોંગ્રેસના સુરેન્દ્ર બક્ષી અને મંગલ સૂરજકરે સ્ટેન્ડિંગમાં વિપક્ષનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

બીપીએમસી એકટમાં કમિટીઓમાં વિરોધ પક્ષને સ્થાન આપવાની ખાસ જોગવાઇ નથી, પરંતુ વર્ષો અગાઉ થયેલી રાજકીય પક્ષો જનતા પાર્ટી, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચેની સમજૂતી અનુસાર જે તે પક્ષના શાસનકાળમાં વિરોધ પક્ષના સભ્યોને પણ જે તે કમિટીમાં યોગ્ય સ્થાન આપવાનો નિર્ણય લેવાયો હતો.

જોકે વર્ષ ર૦૧રમાં ગાંધીનગર કોર્પોરેશનમાં કોંગ્રેસની જીત થતાં તે સમયના ગાંધીનગર કોંગ્રેસના પ્રભારી નરહરિ અમીને એક વિવાદાસ્પદ નિર્ણય લઇને વિપક્ષ ભાજપની સ્ટેન્ડિંગ કમિટી સહિતની કમિટીઓમાં પ્રોરેટા મુજબ સ્થાન આપવામાં આવ્યું નહોતું. ગાંધીનગરના આ વિવાદનો પડઘો અમદાવાદમાં પણ પડ્યો હતો.

કોંગ્રેસ હાઇકમાન્ડના આદેશથી કોર્પોરેશનની વિવિધ કમિટીઓમાં સભ્યપદે બિરાજતા પક્ષના કોર્પોરેટરોએ સામે ચાલીને રાજીનામા ધરી દીધા હતા. જેના કારણે કોર્પોરેશનમાં ભાજપનું વિપક્ષના પ્રતિકાર વગરનું તમામ કમિટીઓમાં એકચક્રી સામ્રાજ્ય થઇ ગયું હતું. સ્ટેન્ડિંગ કમિટી જેવી મહત્ત્વની કમિટી પણ ફકત દસ મિનિટમાં આટોપાઇ જતી હતી. શહેરના પ્રશ્નો અંગે ઝીરો અવર્સમાં વિપક્ષના અભાવે ચર્ચા પણ થઇ શકતી નથી.

કોર્પોરેશનના ભાજપની નવી ટર્મ આગામી દસેક દિવસમાં શરૂ થશે. તે સમયે કોંગ્રેસનો વિભિન્ન કમિટીઓમાં પ્રતિનિધિત્વનો મુદ્દો પણ ચર્ચાસ્પદ બન્યો છે. આ વખતે ભાજપ વિરોધ પક્ષ તરીકે કોંગ્રેસને કમિટીઓમાં પ્રોરેટા મુજબ સ્થાન આપશે કે કેમ? તે અંગે પ્રશ્નાર્થ સર્જાયો છે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રવીણ પટેલને પૂછતાં તેઓ કહે છે કે કોંગ્રેસને કમિટીઓમાં સ્થાન આપવું કે કેમ? તેનો નિર્ણય હાઇકમાન્ડ લેશે. હાઇકમાન્ડના નિર્ણયના આધારેે કોંગ્રેસને આ અંગેની ઓફર કરાશે. મ્યુનિ. કોંગ્રેસના નેતા બદરુદ્દીન શેખે પણ આ બાબતનો નિર્ણય પક્ષ હાઇકમાન્ડ પર છોડ્યો છે.

You might also like