જસદણનો જંગ જીતવા ભાજપ-કોંગ્રેસનું જબરદસ્ત ‘ડોર ટુ ડોર’ કેમ્પેન

અમદાવાદ: ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષ માટે પ્રતિષ્ઠાનો જંગ બનેલી આવતી કાલની જસદણ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલાં બંને પક્ષોએ છેલ્લી ઘડીનું શક્તિ પ્રદર્શન કર્યું હતું, છતાં હજુ મતદારોનાં મન ન કળાતાં સસ્પેન્સ યથાવત્ રહ્યું છે. ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયા દ્વારા તાકાત પ્રદર્શનના ભાગરૂપે તેમના ઘરેથી ત્રણથી ચાર કિ.મી.ની બાઈક-કાર રેલી યોજીને શક્તિ પ્રદર્શન કરાયું હતું. આવતીકાલે બંને પક્ષો માટે પ્રતિષ્ઠા સમાન ચૂંટણી માટે મતદાન થશે.

તો બીજી તરફ કોંગ્રેસે પણ છેલ્લી ઘડીની ટી-ટ્વેન્ટી મેચમાં સ્ટાર પ્રચારક નવજોતસિંહ સિદ્ધુની જંગી જાહેર સભા યોજી હતી. બંને પક્ષનાં ચૂંટણી માટેનાં શક્તિ પ્રદર્શન ચૂંટણીપંચની રડારમાં આવી ગયાં છે. બંને પક્ષના કાર્યક્રમમાં લખલૂંટ ખર્ચ થયો હોવાનું જણાતાં સ્થાનિક ચૂંટણીપંચ પાસે રેલી, સભ્યના રેકોર્ડિંગ, ખર્ચ સહિતનો રિપોર્ટ રાજ્ય ચૂંટણીપંચે માગ્યો છે.

ગઈ કાલે સાંજના પાંચ વાગ્યાથી જાહેર પ્રચાર બંધ થતાં હવે ડોર ટુ ડોર કેમ્પેન અને ગ્રૂપ મીટિંગનો દોર શરૂ થયો છે. જસદણ વિધાનસભામાં ગ્રામીણ વિસ્તાર વધુ હોવાથી ઉમેદવારો અને નેતાઓની ટીમ જસદણ, વિંછિયા, આટકોટને બાદ કરીને ગ્રામ્ય વિસ્તારમાં દોડધામ કરી રહી છે.

ભાજપના કુંવરજી બાવળિયાએ રૂ.૭.૯૪ લાખ અને કોંગ્રેસના અવસર નાકિયાએ રૂ.૬.૫૮ લાખનો ખર્ચ રિપોર્ટ રજૂ કર્યો છે. જાગૃતિ અભિયાનના ભાગરૂપે હાર્દિક પટેલની આગેવાની હેઠળ યોજાયેલી જસદણની રેલીને મંજૂરી અપાઈ નહોતી. ૧૯૬૨થી અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કુલ ૭૨ આગેવાનોએ તેમનો પક્ષ છોડીને અન્ય પક્ષમાંથી બળવાખોરી કરી ચૂંટણી લડી છે તેમાંથી માંડ ૧૨ની જીત થઈ છે.

એકમાત્ર વિઠ્ઠલ રાદડિયા પક્ષપલટો કરવા છતાં ચૂંટણી જીત્યા હતા. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળની ભાજપની ૬ઠ્ઠી સરકાર માટે જસદણ પહેલો ચૂંટણીજંગ છે. ભાજપની આખી કેબિનેટ જસદણ વિછિંયામાં દોડાદોડી કરી ચૂૂકી છે.

૪૦થી વધુ ધારાસભ્ય પ્રચાર માટે ઊતર્યા છે તો કોંગ્રેસના ૨૪ ધારાસભ્ય પણ અવસર નાકિયાની જીત પાકી કરવા મહેનત કરી રહ્યા છે. કાલે ૭૨ લોકેશન અને ૨૬૨ મતદાન મથક પર ૨,૩૨,૦૦૦ મતદાતા દ્વારા મતદાન કરાશે. આ વર્ષે બે મહિલા મતદાન મથક રખાયાં છે.

You might also like