ભાજપ-કોંગ્રેસમાં બાઈક રેલી માટે ‘ભાડૂતી’ બાઈકસવારો

અમદાવાદ: આજે સાંજે પાંચ વાગ્યે ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડશે એટલે કે મતદારોને રીઝવવાનો છેલ્લી ઘડીનો મરણિયો પ્રયાસ રાજકીય પક્ષો અને તેમના ઉમેદવારો કરશે. શહેરના રસ્તાઓ સવારથી જ ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોની બાઇક રેલીના શોથી ધમધમી ઊઠશે, પરંતુ કાર્યકરોની બેટરી હજુ સુધી ચાર્જ ન થઇ હોઇ ભાજપ અને કોંગ્રેસમાં બાઇક રેલી માટે અમુક સક્ષમ ઉમેદવારોએ ભાડાના બાઇકસવાર રોક્યા હોવાનું જાણવા મળ્યું છે.

આમ તો રાજ્ય ચૂંટણીપંચ દ્વારા પ્રત્યેક ઉમેદવાર માટે ચૂંટણીખર્ચની મર્યાદા રૂ. ચાર લાખની નક્કી કરાઇ છે, જોકે જે પ્રકારે મોંઘવારી વધી છે, કાર્યકરો નિરુત્સાહી છે તેમજ ઉમેદવારો પણ પ્રવાહી સ્થિતિના કારણે હાર-જીતને લઇને ફફડાટ અનુભવી રહ્યા છે એટલે કેટલાક ઉમેદવારોએ છૂટા હાથે નાણાંની કોથળીઓ ખુલ્લી મૂકી દીધી છે.

કેટલાક ઉમેદવારોએ બાઇક રેલી માટેની બાઇક સર્વિસ મેળવવા રીતસરનો ખાનગી એજન્સીનો સહારો લીધો છે. આ ઉમેદવારો ખાનગી એજન્સીને પ્રતિબાઇક રૂ. ૫૦૦ વત્તા પેટ્રોલનો ખર્ચ ચૂકવી રહ્યા છે એટલે ઉમેદવારની ડિમાન્ડ મુજબ જે તે ખાનગી એજન્સી બાઇકસવારો પૂરા પાડી રહી છે. આ ભાડાના બાઇકસવારો જે તે રાજકીય પક્ષના ખેસ ગળામાં પહેરીને બાઇક રેલીના સમય સુધી જે તે રાજકીય પક્ષ અને ઉમેદવારોના નામનો જયજયકાર કરી રહ્યા છે! રેલીના સમય દરમિયાન ભાડાના બાઇકસવારોને મનગમતા ફૂડ પેકેટ પણ અપાઇ રહ્યા છે.

બીજી તરફ મતદારો સુધી મતદાર ‌િસ્લપ વહેંચવાના મામલે ભાજપની ટીમ કોંગ્રેસની ટીમ કરતાં પાછળ પડી ગઇ હોય તેવું ચિત્ર ઉપસ્યું છે. પશ્ચિમના કેટલાક વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોની ‌િસ્લપ મતદારો સુધી પહોંચી ગઇ છે, જ્યારે ભાજપના મતદારોની ‌િસ્લપનાં હજુ સુધી ઠામઠેકાણાં પડ્યાં નથી.

ભાજપમાં બૂથ મેનેજમેન્ટ માટે આ ભારે આઘાતજનક છે. પાટીદાર આંદોલન ઇફેક્ટથી કેટલાક ઉમેદવારો રીતસરના ગભરાઇ ઊઠ્યા છે અને મતદાર ‌િસ્લપની વહેંચણી માટે અંગત વર્તુળોનો સહારો લઇ રહ્યા છે. આ ઉપરાંત કેટલાક વોર્ડમાં મતદાર ‌િસ્લપના વિતરણ માટે ખાનગી એજન્સીઓની સર્વિસ પણ લેવાઇ છે.

You might also like