Video: ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ, તમામ પક્ષના દિગ્ગજો ઉમેદવારી નોંધાવશે, જીતુ વાઘાણી બાઈક રેલી યોજી ભરશે ફોર્મ

આજે પ્રથમ તબક્કાની ચૂંટણીના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 399 ફોર્મ ભરાયા છે. ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે 9 ડિસેમ્બરે મતદાન થશે. આજે ત્રીજા ફેઝ માટેના 13 ઉમેદવારો પોતાના ફોર્મ ભરશે.

આ 89 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસના તેમજ અન્ય પક્ષના ઉમેદવારો આજે છેલ્લી તારીખ હોવાથી ફોર્મ ભરી દેશે. આજે ભાજપના રિપીટ મંત્રી-ધારાસભ્યો પણ ફોર્મ ભરશે. અપક્ષમાંથી પણ કુલ 90 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટ પશ્ચિમ સીટ માટે સોમવારે ફોર્મ ભરી દીધું હતું. આજે અન્ય દિગ્ગજો ઉમેદવારી નોંધાવશે. ભાવનગર પશ્ચિમથી જીતુ વાઘાણી ફોર્મ ભરશે, તો માંડવી બેઠક પરથી શક્તિસિંહ ગોહિલ પણ ફોર્મ ભરશે. આ દિગ્ગજ નેતાઓ વિવિધ સ્થળેથી રોડ શૉ યોજીને પોતાની ઉમેદવારીનું ફોર્મ ભરવા જશે.

જીતુ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા માટે ઘોઘા સર્કલથી ભવ્ય બાઈક રેલી યોજશે અને ગુલિસ્તા પાર્કમાં જાહેરસભા પણ સંબોધશે. ઉમેદવારીપત્ર ભરવાના આ પ્રસંગે પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીની સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ઉપસ્થિત રહેશે.

You might also like