ચોર્યાસી બેઠક પરથી ઝંખના પટેલ ભાજપના ઉમેદવાર જાહેર

અમદાવાદ: ભાજપના ધારાસભ્ય સ્વ. રાજાભાઇ પટેલના અવસાનથી ખાલી પડેલી ચોર્યાસી બેઠકની પેટાચૂંટણી માટે પક્ષ હાઇકમાન્ડએ તેમના પુત્રી ઝંખના પટેલને આજે ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

સુરત નજીકના ચોર્યાસી વિધાનસભા બેઠકના ધારાસભ્ય રાજેન્દ્ર પરભુભાઇ પટેલ ઉર્ફે રાજાભાઇનું ગત તા. ૫ ઓગસ્ટ, ૨૦૧૫ના રોજ બીમારીના કારણે અવસાન થયું હતું. આ ખાલી પડેલી બેઠકની પેટાચૂંટણીનો કાર્યક્રમ ગત તા. ૨૮ ડિસેમ્બર, ૨૦૧૫એ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયો છે.

જેના કારણે ભાજપના ઉમેદવારની પસંદગી અંગે જાતજાતના તર્કવિતર્ક થતા હતા. છેવટે ભાજપ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા આજે સ્વ. રાજાભાઇની પુત્રી ઝંખના હિતેશ પટેલને પક્ષના ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. ૩૫ વર્ષીય ઝંખનાબહેને હોમ સાયન્સ વિષય સાથે તેમનો અભ્યાસ પૂર્ણ કર્યો છે. તેઓ વિવિધ સામાજિક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે.

ચોર્યાસી વિધાનસભા બેઠક માટે નિશ્ચિત થયેલા ચૂંટણી કાર્યક્રમ મુજબ આગામી તા. ૪ જાન્યુઆરી ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ છે. જ્યારે આગામી ગુરૂવાર તા. ૨૧ જાન્યુઆરીએ મતદાન થશે અને રવિવાર તા. ૨૪ જાન્યુઆરીએ પરિણામ જાહેર કરાશે.

You might also like