ભાજપનો આમીરને સવાલ : ભારત છોડીને ક્યાં જશો ?

નવી દિલ્હી : બોલિવુડ અભિનેતા આમીર ખાન દ્વારા અસહિષ્ણુંતા મુદ્દે હાલમાં જ વિવાદીત ટીપ્પણી કરવામાં આવી છે. જેનાં પગલે ફરી એકવાર અસહિષ્ણુતાનો વિવાદ ચગ્યો છે. ભાજપ દ્વારા જ્યારે તેની ટીપ્પણીની નિંદા કરી છે,તો બીજી તરફ સરકાર દ્વારા ખુબ જ સામાન્ય અને માપની પ્રતિક્રિયા આવી છે. કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે સહિષ્ણુતા આ દેશનાં ડીએનએમાં છે, અમે આમીરને ક્યાંય નહી જવા દઇએ. કેન્દ્રીય ગૃહરાજ્યમંત્રી કિરેન રિજિજુએ કહ્યું કે આ પ્રકારની ટીપ્પણીઓ ભારતની છબી પર એક ડાઘ સમાન છે.
ઉલ્લેખનીય છે કે એક કાર્યક્રમમાં આમિરે સોમવારે કહ્યું હતુંકે, મને લાગે છે કે ગત્ત 6 મહિનાઓમાં લોકોમાં ડર અને અસહિષ્ણુતાની ભાવના વધી છે. દેશનાં સામાજિક વ્યવહાર સંપુર્ણ રીતે યોગ્ય નથી. લોકોમાં અસુરક્ષાની ભાવના વધી છે. આ પ્રકારનાં વાતાવરણથી ગભરાઇને એકવાર મારી પત્ની કિરણે દેશ છોડવા સુધીની વાત પણ કરી હતી. તે આસપાસનાં વાતાવરણથી ખુબ જ ચિંતીત હતી. રોજિંદુ છાપુ ખોલતા પણ ડર લાગે છે. બાળકોની ચિંતાના કારણે પહેલીવાર તેણે દેશ છોડવાની વાત કરી હતી.
ભાજપે મંગળવારે કહ્યું કે એકાદ બે છુટીછવાઇ ઘટનાથી આખા દેશનાં વાતાવરણને પરિભાષીત કરવામાં ન આવવો જોઇએ. પાર્ટી પ્રવક્તા શાહનવાઝે કહ્યું કે આમિરે ડરવાની કોઇ જ જરૂર નથી. જો કે આમિર પર પણ વ્યંગ કરતા શાહનવાજે કહ્યું હતું કે આ દેશ છોડીને ક્યાં જશો ? જ્યાં પણ જશો અહીંકરતા વધારે ઇનટોલરન્સ જ મળશે. દુનિયામાં ભારતથી બીજો સારો કોઇ દેશ નહી હોય. ભારતનાં મુસ્લિમો માટે હિન્દુસ્તાનથી સારો દેશ અને હિન્દુઓથી સારા પાડોશી નહીમળે.
શાહનવાજે કહ્યું કે જો તમે ચર્ચિત છો તો આવા વિવાદીત ટીપ્પણીઓ દ્વારા વધારે કવરેજ મેળવી શકો છો, કવરેજ મળી શકે છે. જો કે કવરેજ માટે કરેલી આવી ટીપ્પણીથી ભારતની છબીને ખુબ જ નુકસાન થઇ શકે છે. અતુલ્ય ભારત પર આવા ડાઘ લગાવવા ન જોઇએ.

You might also like