પાટીદારોનું અાંદોલન સમેટાય તે માટે અમિત શાહ માસ્ટર સ્ટ્રોક મારશે?

અમદાવાદ: ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજથી બે દિવસની ગુજરાતની મુલાકાતને પ્રસંગોપાત ગણાવાઇ રહી છે. બોર્ડ નિગમમાં નિમણુંકો, પ્રદેશ સંગઠનના માળખાંમાં ફેરફાર અને ખાસ કરીને પાટીદારોનું અાંદોલન સમેટાઈ જાય તેવી વ્યૂહરચના ઘડાય તેવી શક્યતા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગઇ કાલે કમલમ્ ખાતે પ્રદેશ સંગઠનની એક ઉચ્ચ સ્તરિય બેઠક મળી હતી. જેનાં સંગઠનમાં નવી નિમણુંકો અને ફેરફાર અંગે ચર્ચા હાથ ધરાઇ હતી. આજે અમિત શાહ સાથેની મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણિયા, બેઠક બાદ સંગઠનમાં નિમણુંક અંગેનો આખરી નિર્ણય જાહેર કરાશે.

વર્ષ ર૦૧૭ની વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખીને રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ નિગમોમાં નવેસરથી ચેરમેન, ડિરેકટરની નિમણુંકોની પ્રક્રિયા હાથ ધરાઇ છે. જે બોર્ડ નિગમોમાં ચેરમેન ઉપાધ્યક્ષની નિમણુંક ત્રણ વર્ષથી વધુ સમય થયો છે તેવા ચેરમેન ઉપાધ્યક્ષને બદલીને નવા યુવા ચહેરાઓને સ્થાન અપાશે.

પાટીદાર સમાજ સુરત દ્વારા મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન, પ્રદેશ પ્રમુખ માટે યોજાનારા સન્માન સમારંભમાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ હાજરી આપશે. આ કાર્યક્રમમાં ૪૪ પાટીદાર ધારાસભ્યો, તમામ પાટીદાર પ્રધાનો, અને સાંસદોનું પણ સન્માન થશે. ર૦૦થી વધુ સંસ્થાના પાટીદાર અગ્રણીઓ અત્યારે આ સમારોહના મુદ્દે એક થયા છે. આ સમારોહને ઐતિહાસિક બનાવવાની યોજના ઘડાઇ રહી છે. એક લાખ જેટલા પાટીદાર આ સમારોહમાં હાજર રહેવાના છે ત્યારે અાંદોલન સમેટાય તે માટે ફોર્મ્યુલા જાહેર થશે તેવું સૂત્રો જણાવી રહ્યાં છે.

સત્તાવાર રીતે અમિત શાહની આજની મુલાકાતને આવતી કાલના એક કાર્યક્રમનો ભાગ ગણવામાં આવે છે. આવતી કાલે ટાઉનહોલ ખાતે આર.આર. દ્વિવેદી શાળાને પ૦ વર્ષ પૂરાં થયાં હોઇને આયોજિત કાર્યક્રમમાં અમિત શાહ હાજરી આપશે. કાલે સવારથી કુસુમ વિલા કાલે ફરી રાજકીય મુલાકાતીઓથી ધમધમશે.

You might also like