અડવાણી, શાંતાકુમાર, ડો. મુરલી જોશીનો સંસદીય સમિતિમાં સમાવેશ

નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીમાં ઉપેક્ષા કરવામાં આવેલા વરિષ્ઠ અને વયોવૃદ્ધ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણી, શાંતાકુમાર અને ડો. મુરલી મનોહર જોશીને સંસદીય સમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે. અડવાણી અને શાંતાકુમારને જાહેર સાહસો સંબંધિત સંસદીય સમિતિમાં સ્થાન આપવામાં આવ્યું છે. જ્યારે મુરલી મનોહર જોશીને મૂલ્યાંકન સમિતિમાં સભ્ય તરીકે સ્થાન પ્રાપ્ત થયું છે.

વાસ્તવમાં તાજેતરમાં આ ત્રણ સંસદીય સમિતિઓની પુનઃરચના કરવામાં આવી છે અને તેના કારણે લાલકૃષ્ણ અડવાણી, શાંતાકુમાર અને ડો. મુરલી મનોહર જોશીનો તેમાં સમાવેશ કરવાની તક મળી છે. આ ત્રણેય સમિતિનો કાર્યકાળ તા.૧ મેથી શરૂ થશે. મંગળવારે મૂલ્યાંકન સમિતિ, જાહેર સાહસો અને અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે સંકળાયેલી સમિતિ માટે ચૂંટણી યોજાઇ હતી.

અનુસૂચિત જાતિ-જનજાતિ સાથે સંકળાયેલી ‌સમિતિમાં ભાજપના સભ્ય અને ઝારખંડના પૂર્વ ડીજીપી વી.ડી. રામ અને લોકજનશકિત પાર્ટીના પાસવાન સામેલ છે. જાહેર હિસાબ સમિતિની પુનઃ રચના થવાની હજુ બાકી છે. સરકારે છેલ્લા કેટલાક સમયથી સંસદીય સમિતિને લઇને ગંભીર વલણ અપનાવ્યું છે. મોદી સરકારનું માનવું છે કે આ સમિતિના સભ્યોએ પોતાની કામગીરી ગંભીરતા સાથેે બજાવવી જોઇએ અને તેથી જ તાજેતરમાં આ સમિતિ અંગે ગંભીર વલણ નહીં અપનાવનાર કેટલાક સભ્યોને હટાવી દેવામાં આવ્યા છે.

You might also like