ગામડી બેઠકના કોંગી ઉમેદવારનું ભાજપ કાર્યકરો દ્વારા અપહરણ

દાહોદ : ઝાલોદ તાલુકાની જિલ્લા પંચાયતની ગામડી સીટ પરના કોંગ્રેસના ઉમેદવાર તથા તેના એક સમર્થકને આજે હડમતખૂંટા ગામે ૧૦ જેટલી ગાડીઓમાં આવેલા ભાજપના કાર્યકરોએ ધાકધમકીઓ આપી માર મારી અપહરણ કરી લઇ ગયાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગત અનુસાર ૧૦ જેટલી જુદી જુદી ગાડીઓમાં બેસી આજરોજ સવારે સવા નવ વાગ્યાના સુમારે ઝાલોદ તાલુકાના હડમતખૂંટા ગામે આવેલ ચિત્રોડીયા ગામના ભાવેશ બાબુભાઇ કટારા, બાબુભાઇ કટારા, અમીત બાબુભાઇ કટારા, ઝાલોદના કનુભાઇ પ્રજાપતિ, રાજુભાઇ પ્રજાપતિ તથા જવેસી ગામના શૈલેષ ડામોર તથા બીજા માણસોનું ટોળું ગેરકાયદે મંડળી બનાવી આવ્યું હતું જેઓ પૈકી ભાવેશ કટારા તથા અમીત કટારાના હાથમાં પિસ્તોલ હતી.

તેઓ સૌએ જિલ્લા પંચાયતની ગામડી સીટના કોંગ્રેસના ઉમેદવાર ભરતભાઇ કીડીયાભાઇ ડામોરને તથા તેના સમર્થક નાથુભાઇને ધાકધમકીઓ માપી માર મારી બંનેનું અપહરણ કરી લઇ ગયા હતાં.આ સંબંધે અપહ્યત ઉમેદવાર ભરતભાઇ ડામોરની બહેન રાજમોરીના બેન ડામોરે ઝાલોદ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.

જિલ્લા પંચાયતની ગામડી સીટના કોંગ્રેસના ઉમેદવારનું અપહરણ કરાયાનો બનાવ તદ્દન ઉપજાવી કાઢેલો અને સત્યથી વેગળો તેમજ અમોને બદનામ કરવા માટેનો દાહોદના માજી સાંસદ બાબુભાઇ કટારાએ ગણાવી આ અંગેની કલેકટરમાં રજૂઆત કરી હોવાનું જાણવા મળેલ છે.

You might also like