ચૂંટણી પહેલા જ ભાજપ ૧૩ જિલ્લામાં ૩૭ બેઠક પર બિનહરીફ

અમદાવાદ: આગામી તા. ૨૯ નવેમ્બર યોજાનારી સ્થાનિક સ્વરાજયની જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયાના મતદાન પહેલાના તબક્કામાં ભાજપાના ઉમેદવારો તેર જિલ્લાની ૩૭ બેઠકો ઉપર બિનહરિફ વિજયી બન્યા છે. પ્રદેશ અધ્યક્ષ આર.સી. ફળદુએ બિનહરિફ થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા છે.

બિનહરિફ થયેલી બેઠકોની વિગતો આપતા પ્રદેશ પ્રવકતા આઈ.કે. જાડેજાએ જણાવ્યું હતું કે, ૧૩ જિલ્લાની ૦૧ જીલ્લા પંચાયત, ૧૯ તાલુકા પંચાયતો અને ૧૭ નગરપાલિકાની બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે. ખેડા જિલ્લાની નડિયાદ નગરપાલિકાના ૦૮ ઉમેદવારો જયારે સુરેન્દ્રનગર જિલ્લાની ધ્રાંગધ્રા નગરપાલિકાના ૦૪ ઉમેદવારો અને અમદાવાદ જિલ્લાની બોપલ-ધુમા નગરપાલિકાના વોર્ડ નં. ૦૩ ઉમેદવાર સજ્જનહેન ઠાકોર બિનહરિફ ચૂંટાઈ આવ્યા છે.

જાડેજાએ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં બિનહરિફ બેઠકો એ ભાજપાને જનસમર્થનનું પ્રતિબિંબ છે તેમ જણાવી ઉમેર્યું હતું કે, આગામી ચૂંટણીમાં ભાજપાને ઝળહળતો વિજય નિશ્ચિત છે. ઉમેદવારની પસંદગી, ચૂંટણી પ્રચાર અને ઉમેદવારોને સમગ્ર રાજયમાં મળી રહેલો વ્યાપક આવકાર ભાજપાને વિજયી બનાવશે તે નિશ્ચિત છે.

દરમ્યાન ભાજપાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રભારી શ્રી ડો. દિનેશ શર્મા આવતાકાલથી તા. ૧૮ નવેમ્બર એમ ચાર દિવસ રાજયમાં ચૂંટણી પ્રચારમાં અને કાર્યકર્તા માર્ગદર્શન હેતુ આવી રહ્યા છે. ડો. દિનેશ શર્મા આવતીકાલે સાંજે તા. ૧૫ નવેમ્બરે અમદાવાદ ખાતે હિન્દીભાષી સંમેલનને સંબોધશે. તેઓ તા. ૧૬ નવેમ્બરે સવારે વડોદરા ખાતે સંમેલનને સંબોધશે અને અગ્રણીઓ સાથે બેઠક યોજશે. બપોરે ભરૃચ ખાતે જિલ્લા અગ્રણીઓની માર્ગદર્શન બેઠક બાદ તેઓ સાંજે સુરત ખાતે હિન્દીભાષી સંમેલનને સંબોધશે અને આગ્રણીઓ સાથે બેઠક યોજશે.

તા. ૧૭ નવેમ્બરે કચ્છ જિલ્લાના આગેવાનોની બેઠકમાં હાજરી આપ્યા બાદ સાંજે ગાંધીધામ ખાતે હિન્દીભાષી સંમેલનને સંબોધશે. તેઓ તા. ૧૮ નવેમ્બરે સૌરાષ્ટ્રના રાજકોટ શહેર-જિલ્લાના આગેવાનોની બેઠક લેશે. અને સાંજના હિન્દીભાષી સમાજની બેઠકમાં હાજરી આપશે. આમ મધ્ય, દક્ષિણ અને કચ્છ-સૌરાષ્ટ્રનો ચાર દિવસનો ચૂંટણી પ્રવાસ કરશે. ભાજપાના રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી. સતીષજી પણ ગઈકાલથી ૧૬ નવેમ્બર એમ ચાર દિવસના ચૂંટણી પ્રવાસે ગુજરાત આવ્યા છે.

You might also like