ઓગસ્ટના બીજા અઠવાડિયાથી જન્મ-મરણનાં પ્રમાણપત્ર ત્રણ દિવસમાં મળશે

અમદાવાદ: રાજ્ય સરકારના શહેરી વિકાસ અને ગૃહ નિર્માણ વિભાગના ગત તા.ર૧ માર્ચ, ર૦૧૬ના જાહેરનામા મુજબ નાગરિકોને આગામી ઓગસ્ટના બીજા અઠવાડિયા સુધીમાં શહેરભરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલોમાં થતાં જન્મ અને મરણનાં પ્રમાણપત્રો ત્રણ દિવસમાં મળી જશે.

કોર્પોરેશનના જન્મ-મરણ વિભાગમાં સામાન્ય નાગરિકોને જન્મ અને મરણનાં પ્રમાણપત્ર લેવા માટે પણ ધક્કે ચડવું પડે છે. જન્મ-મરણ વિભાગમાં અરજદારો પાસેથી ગરજ અનુસાર રૂ.૧પ૦૦થી રૂ.૩૦૦૦ પડાવનાર એજન્ટોની બોલબાલા છે. એજન્ટો મારફતેના અરજદારોનાં કામ કલાકોમાં જ થઇ જાય છે જ્યારે સામાન્ય નાગરિકોને મહિના-બે મહિના સુધી રઝળવું પડે છે.

જોકે રાજ્ય સરકારના આદેશથી કોર્પોરેશનના ઇ-ગવર્નન્સ વિભાગનો કોન્ટ્રાક્ટ સંભાળતી ટીસીએસ કંપનીએ જન્મ-મરણ વિભાગ માટે ખાસ સોફટવેર તૈયાર કર્યું છે, જે હેઠળ શહેરની સરકારી તેમજ ખાનગી મળીને કુલ ૬પ૦ હોસ્પિટલને સાંકળી લેવાઇ છે. આ તમામે તમામ હોસ્પિટલમાં થનારાં જન્મ-મરણની વિગતોનું હવે ઓનલાઇન ર‌િજસ્ટ્રેશન કરાશે, જેના કારણે નાગરિકોને માત્ર ૩ દિવસમાં જન્મ-મરણનાં લેમિનેટેડ પ્રમાણપત્ર જે તે સિવિક સેન્ટર પરથી મળી જશે.

આ ઉપરાંત બાળકોના રસીકરણના કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા ટીસીએસના સોફટવેર હેઠળ તૈયાર કરાયેલા હેલ્થ સ્માર્ટકાર્ડનું અમલીકરણ પણ ઓગસ્ટના બીજા અઠવાડિયાથી થવાની શકયતા છે.

મ્યુનિ. જન્મ-મરણ વિભાગના ર‌િજસ્ટ્રાર ડૉ. અમિત વેગડા કહે છે, “આ બંને કામ અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે મુકાઇ છે. સ્ટેન્ડિંગ બાદ મ્યુનિ. બોર્ડની મંજૂરી મળતાં ઓનલાઇન ર‌િજસ્ટ્રેશન અને હેલ્થ સ્માર્ટ કાર્ડ યોજના અમલમાં મુકાશે. હેલ્થ સ્માર્ટ કાર્ડ હેઠળ જૂન અને જુલાઇમાં જન્મેલાં-જન્મનાર આશરે ૧૭૦૦૦ નવજાત શિશુઓને આવરી લેવાશે.”

You might also like