બર્થડે પર સિગારેટ પીતાં ઝડપાયેલા બે ટીનેજરની મોતની છલાંગઃ એકનું મોત

મુંબઈ: મુંબઈના વડાલામાં રહેતા બે ટીનેજરોએ સિગારેટ પીતાં પકડાઈ ગયા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં એક ટીનેજરનું મોત થયું હતું અને બીજાને બચાવી લેવાયો હતો. બોમ્બે પોર્ટ ટ્રસ્ટની કોલોની નજીક સ્થાનિક લોકોએ આ બે ટીનેજરોને સિગારેટ પીતાં ઝડપી લીધા હતા અને પછી તેમની મારપીટ કરી હતી. આ બનાવથી ડરી ગયેલા આ બંને ટીનેજરો ટ્રેન દ્વારા નવી મુંબઈ પહોંચ્યા હતા અને ત્યાં વાશીની ખાડીમાં કૂદી પડ્યા હતા. આપઘાતના આ પ્રયાસમાં વડાલાના ગણેશનગરમાં રહેતો ૧૭ વર્ષનો હૃતિક પાટેકર મૃત્યુ પામ્યો હતો. જ્યારે ભક્તિપાર્ક નજીકની મ્હાડા કોલોનીમાં રહેતા તેના મિત્ર નિખિલ ગેડામ્બને બચાવી લેવામાં આવ્યો હતો.

પોલીસે જણાવ્યું હતું કે બચી ગયેલા નિખિલે પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે તેની વર્ષગાંઠ હતી અને તેથી મિત્રોએ રાત્રે પાર્ટી કરવાનું વિચાર્યું હતું. નિખિલ અને હૃતિક તેમજ બે છોકરીઓએ બીપીટી કોલોની પાસે પાણીપૂરી ખાધી હતી અને ત્યાર બાદ નિખિલ ત્રણ સિગારેટ લાવ્યો હતો અને ચાર જણ સ્મોકિંગ કરતા હતા ત્યારે સ્થાનિક લોકોએ તેમની મારપીટ કરીને તેમના મોબાઈલ ફોન ઝૂંટવી લીધા હતા.

નિખિલ-હૃતિક નાસી ગયા હતા અને સ્થાનિકો છોકરીઓને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાં બંનેના માતાપિતાને બોલાવીને તેમને વોર્નિંગ આપીને છોડી દીધી હતી, પરંતુ નિખિલ અને હૃતિક એટલા ગભરાઈ ગયા હતા કે તેમણે વાશીની ખાડીમાં ઝંપલાવી દીધું હતું.

You might also like