બર્થડે પાર્ટીમાં બુઝપાર્ટીઃ ૧૩ કોલેજિયન ઝડપાયા

અમદાવાદ: અમદાવાદની જીએલએસ અને સોમલલિત કોલેજમાં અભ્યાસ કરતા છ વિદ્યાર્થિનીઓ અને સાત વિદ્યાર્થીઓ બર્થડે પાર્ટીના નામે દારૂની મહેફિલ માણતાં ઝડપાયાં છે. ગાંધીનગરના કુડાસણ ગામમાં આવેલા એક ફ્લેટમાં આ યુવક-યુવતીઓ દારૂના નશામાં ચકચૂર હતાં ત્યારે ઇન્ફોસિટી પોલીસે રેડ કરી તમામને ઝડપી લીધાં હતાં. પોલીસે એક દારૂની બોટલ અને ત્રણ બિયરનાં ટીન કબજેે કર્યાં હતાં.

રાજ્ય સરકાર યુવાધન દારૂ જેવા દૂષણથી બરબાદ ન થાય તે માટે ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો લાવી છે, પરંતુ કોલેજમાં અભ્યાસ કરતાં યુવક-યુવતીઓ બેફામ રીતે દારૂની મહેફિલો માણી રહ્યાં છે. મળતી માહિતી મુજબ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનના પીઆઈને બાતમી મળી હતી કે ગાંધીનગરના કુડાસણ ગામમાં આવેલા રાધે રેસિડન્સીના આઠમા માળે આવેલા એ-૮૦૧ નંબરના મકાનમાં કેટલાંક યુવક-યુવતીઓએ ભેગાં મળીને દારૂની મહેફિલ યોજી છે, જેના આધારે પીએસઆઈ. આર. કે. ચૌધરી અને ટીમે ફ્લેટમાં રેડ કરી હતી. પોલીસે મકાનમાં દરોડો પાડ્યાે ત્યારે આશરે ૧૯ વર્ષના અાશરાનાં ૧૩ જેટલાં યુવક-યુવતીઓ ફ્લેટમાંથી મળી આવ્યાં હતાં. તમામ ભેગાં મળીને દારૂની મહેફિલ માણી રહ્યાં હતાં. ફ્લેટમાંથી નમકીનનાં પડીકાં, ‌શીવાશ રીગલની બોટલ અને ત્રણ બિયરનાં ટીન મળી આવ્યાં હતાં.

પીએસઆઈ આર. કે. ચૌધરીએ જણાવ્યું હતું કે તમામ યુવક-યુવતીઓ અમદાવાદની જીએલએસ અને સોમલલિત કોલેજમાં અભ્યાસ કરે છે. હર્ષ કોઠારી નામના યુવકનો બર્થડે હોવાથી દારૂની મહેફિલ માણવા મિત્રના ફ્લેટમાં ભેગાં થઇ મહેફિલ માણતાં હતાં. તમામ વિદ્યાર્થી તેમજ વિદ્યાર્થિનીઓ ધનવાન અને સારા પરિવારમાંથી આવે છે. તમામ વિદ્યાર્થીનાં માતા-પિતાને બોલાવવામાં આવ્યાં છે અને આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. સરકાર દ્વારા દારૂબંધીનો કડક કાયદો હોવા છતાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માતા-પિતાની જાણ બહાર કોઈ દારૂની મહેફિલો માણી રહ્યા છે. માતા-પિતાએ પોતાના દીકરા-દીકરીઓ ક્યાં જાય છે અને શેના માટે બહાર જાય છે તેના પર ધ્યાન આપે તો કદાચ આવા દારૂના દૂષણથી તેઓને બચાવી શકે.

You might also like