બર્થ ડેનું અનોખું સેલિબ્રેશન

‘હેપી બર્થ ડે’નું ગીત ગાઈને કેક કાપીને સીધી સાદી રીતે બર્થ ડે ઊજવવાની પરંપરા હવે ગઈ. હવે તો કોઈ મિત્રના બર્થ ડેમાં કંઈક અનોખું ન કર્યું હોય તો જાણે કે બર્થ ડે સેલિબ્રેશન થયું જ નથી તેવું લાગે છે આજના યંગસ્ટર્સ હંમેશાં કંઈક નવું કરવા માટે થનગનતાં હોય છે. પછી તે વાત તેમની કારકિર્દીની હોય કે મિત્રો સાથે મજાક-મસ્તીની હોય, દરેક બાબતમાં તેઓ કંઈક નવું કરે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી યુવાઓમાં બર્થ ડે સેલિબ્રેશન કંઈક અનોખી રીતે ઊજવવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

ગુજરાતી ફિલ્મ ‘છેલ્લો દિવસ’માં યંગસ્ટર્સ કંઈક આ રીતે જ ધમાલ-મસ્તી કરતાં જોવા મળ્યાં હતાં. કૉલેજમાં અભ્યાસ કરતાં આજના યંગસ્ટર્સ તો તેનાથી પણ વધારે મસ્તી કરે છે. જેમ કે કોઈ મિત્રને રાત્રે બાલ્કનીમાં બોલાવીને તેની પર ઈંડાં કે ટામેટાં ફેંકવા, રાત્રે ઠંડીમાં તેની પર પાણી રેડવું, બહાર જમવા કે નાસ્તો કરવા ગયા હોય તો માથામાં ચટણી નાખી દેવી, મિત્રને જેટલાં વર્ષ થયાં હોય એટલા બર્થ ડે બમ્પ્સ મારવા, અડધી રાત્રે બહાર બોલાવી બ્લેન્કેટમાં દબાવીને કંબલ કૂટ કરવી. આવી મસ્તી યુવાવર્ગમાં હવે સામાન્ય બની છે. જોકે જે મિત્રનો બર્થ ડે હોય તે આ બધાં તોફાનને ખૂબ જ સહજતાથી લે છે.

અમદાવાદમાં ઈન્ટીરિયર ડિઝાઇનનો અભ્યાસ કરતો નિશીત મકવાણા કહે છે કે, ‘જ્યારે પણ અમારા ગ્રુપમાં કોઈ મિત્રનો બર્થ ડે આવે ત્યારે જેનો બર્થ ડે હોય તેને  પકડીને તેનું આખું મોઢું જ કેકમાં નાખી દઈએ છીએ. આ સિવાય પણ ઘણાં તોફાનો કરીએ છીએ. રાત્રે બાર વાગ્યા પછી અમે બહાર જમવા જઈએ અને સવારે મસ્કાબન તેમજ ચા પીને છૂટા પડીએ છીએ.’

જોકે આ વાત થઈ કોલેજ સ્ટુડન્ટ્સની, પરંતુ જોબ કરતાં યંગસ્ટર્સની વાત કરીએ તો તેઓ પણ કંઈ ઓછાં તોફાન નથી કરતાં. અમદાવાદની પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતી અમી શાહ કહે છે કે, ‘નોકરીની શરૂઆત થતાં જ બધા પ્રોફેશનલ થઈ જાય છે.

તેથી અડધી રાત્રે ફ્રેન્ડ્સના ઘરે જઈને મસ્તી નથી કરી શકતાં. સવારે વહેલા જ્યારે કોઈ મિત્રને કલ્પના પણ ન હોય ત્યારે અમે તેના ઘરે પહોંચી જઈએ છીએ અને તેને  પથારીમાંથી નીચે ફેંકી દઈએ છીએ. બાદમાં ખૂબ જ ધમાચકડી મચાવીએ છીએ અને  પછી સૌ પોતપોતાની જોબ પર જવા રવાના થઈ જઈએ છીએ.’

અમદાવાદમાં બી.ઈ.નો અભ્યાસ કરતો પ્રતીક પટેલ કહે છે કે, ‘બર્થ ડે વખતે અમે ખૂબ જ મસ્તી કરીએ છીએ, પરંતુ સભાનતા સાથે. કોઈને વાગી ન જાય અને કોઈ નુકસાન ન થાય તે બાબતનું ખાસ ધ્યાન રાખીએ છીએ. આ સિવાય જો કોઈ મિત્ર બધાને પાર્ટી આપવામાં સક્ષમ ન હોય તો બધા મિત્રો કોન્ટ્રિબ્યુશન કરે છે.’

આ બધી ધમાલ-મસ્તીની સાથે યંગસ્ટર્સ પોતાના જીવનના આ ખાસ દિવસે સેવા અને દાન-પુણ્ય કરવાનું પણ નથી ચૂકતાં. ગરીબોને ભોજન, અનાથ બાળકોને  કપડાં, ચોકલેટ અને બિસ્કીટ જેવી વસ્તુઓની વહેંચણી કરીને તેમના ચહેરા ઉપર હાસ્ય લાવવાનું પણ ભૂલતાં નથી.

પશ્ચિમી સંસ્કૃતિથી હંમેશાં આકર્ષિત રહેનારા આપણા યંગસ્ટર્સ નાના પ્રસંગોને પણ યાદગાર બનાવવામાં જરાયે કસર છોડતાં નથી. જીવનની દરેક ક્ષણને ખૂબ જ ઉત્સાહ અને આનંદથી માણે છે.

પારૂલ ચૌધરી

You might also like