હાથીજણ અને આસપાસના વિસ્તારમાં પડદા આડે ચિકનની દુકાનોનો ધમધમાટ

અમદાવાદ: હાથીજણ ગામ અને આસપાસના વિસ્તારમાં બર્ડ ફ્લૂથી ફફડાટ અનુભવતા લોકોની વહારે મોડા મોડા મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ આવ્યા છે. જોકે તંત્રની બેદરકારીના એક પછી એક ઉદાહરણ પ્રકાશમાં આવી રહ્યાં છે. આ વિસ્તારોમાં પડદા આડે ચિકનની દુકાનોનો ધમધમાટ ચાલી રહ્યો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે, જેના કારણે પણ લોકોની ચિંતામાં વધારો થયો છે.

હાથીજણના આશા ફાઉન્ડેશનના કર્મચારીઓને બર્ડ ફ્લૂના પગલે કુલ દશ દિવસ કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ નજરકેદમાં રહેવું પડશે. વેટરનિટી ડોક્ટરો સહિતના કુલ ૩૭ જણાના સ્ટાફ પર તંત્ર નજર રાખી રહ્યું છે. બર્ડ ફ્લૂના સંભવિત ઉપદ્રવ પર અંકુશ મૂકવા આ પ્રકારના પગલાં જરૂરી હોવાનો તંત્ર દાવો કરી રહ્યું છે.

પરંતુ હાથીજણ અને આસપાસના વિસ્તારમાં પડદા નાખીને ધમધમતી ચિકનની દુકાનો સામે સત્તાવાળાઓએ આંખ આડા કાન કર્યા હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. સ્થાનિક લોકો કહે છે કે હાથીજણ ગામ ચોકડી, વટવા રેલવે પુલ નીચે, વટવા બીબી તળાવ પાસે ચિકનની દુકાનો પડદા આડે ધમધમી રહી છે. રામોલ રિંગ રોડ ચાર રસ્તાના અદાણી સર્કલ પાસે માંસાહારી ભોજન પીરસતી પાંચ મોટી હોટલ સામે પણ તંત્રે બેદરકારી દાખવી છે. આબાદ બેકરી સહિતની બેકરીઓ પ્રત્યે તંત્ર ઉદાસીન છે. ઘોડાસર તેમજ વિવેકાનંદનગર-સેક્ટર ચારના બસસ્ટેન્ડની બાજુમાં હનુમાનજીના મંદિર પાસે ચાર-ચાર ઇંડાંની લારીઓ આજે પણ ઊભી છે. આ લારીઓથી સ્થાનિક લોકોની ધાર્મિક લાગણી દુભાઇ રહી હોવા છતાં કોઇ કાર્યવાહી કરાતી નથી.

બીજી તરફ આજે દિલ્હીથી આવેલી કેન્દ્રીય ટીમ હાથીજણની મુલાકાત લેશે. આ ટીમ ગાંધીનગર આવી ગઇ છે. કેન્દ્રીય ટીમના આગમનના પગલે કોર્પોરેશન મેડિકલ ટીમ દ્વારા અધિકારીઓનું પણ મેડિકલ ચેકઅપ થઇ રહ્યું છે.  દરમિયાન ઓઢવના ગાયત્રી પરિવાર ટ્રસ્ટ દ્વારા તા. ૬, ૭ અને ૮ જાન્યુઆરીના રોજ હાથીજણની ગાયત્રી શક્તિપીઠ ખાતે સવારે ૯થી સાંજે ૬ વાગ્યા સુધી વિશેષ જડીબુટ્ટી તેમજ ઔષ‌િધ દ્વારા ગાયત્રી મંત્રથી ગાયત્રી યજ્ઞનું આયોજન કરાશે.

સ્થાનિક કોર્પોરેટર અતુલ પટેલ કહે છે કે બર્ડ ફ્લૂ દ્વારા બગડેલા વાતાવરણની શુદ્ધિ માટે ત્રણ દિવસ સુધી ગાયત્રી યજ્ઞ ચાલશે. દરમિયાન હેલ્થ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.અાર.ખરસાણ કહે છે કે કલેક્ટર કચેરીની સૂચના મુજબ અાશા ફાઉન્ડેશનને ખસેડવાની કાર્યવાહી કરાશે.

http://sambhaavnews.com/

You might also like