વસ્ત્રાલ અને મેમનગરમાં રખાયેલી મરઘીઓનો બર્ડ ફલૂ રિપોર્ટ ‘નેગેટિવ’

અમદાવાદ: હાથીજણ ગામના આશા ફાઉન્ડેશનમાં મૃત્યુ પામેલ ર૬ ચાઇનીઝ મરઘીઓના બર્ડ ફલૂ રિપોર્ટ ‘પોઝિટિવ’ આવ્યા બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. જોકે આ મરઘીઓના સંપર્કમાં આવનાર વસ્ત્રાલથી પકડાયેલ ૧૪૮૦ મરઘીઓ અને મેમનગરમાં રખાયેલી ર૦૦ મરઘીઓનો બર્ડ ફલૂ રિપોર્ટ વિલંબમાં મુકાતાં ઊઠેલા અનેક તર્ક-વિતર્ક પર મ્યુનિ. હેલ્થ વિભાગે ઠંડું પાણી રેડ્યું છે. આ બંને સ્થળોની મરઘીઓના બર્ડ ફલૂ રિપોર્ટ ‘નેગેટિવ’ આવવાનો દાવો તંત્રે કર્યો છે.

વસ્ત્રાલથી પકડાયેલ ૧૪૮૦ ચાઇનીઝ મરઘીઓનો બર્ડ ફલૂ રિપોર્ટ ગયા શનિવારે ભોપાલથી આવવાનો હતો, પરંતુ આજદિન સુધી આવ્યો નથી. વસ્ત્રાલથી પકડાયેલી ચાઇનીઝ ૧૪૮૦ મરઘીઓ પૈકીની ર૦૦ મરઘીઓને મેમનગરમાં રખાઇ હતી, જેનો રિપોર્ટ પણ હજુ સુધી ન આવતાં જાતજાતના તર્ક-વિતર્ક ઊઠી રહ્યા છે. જોકે આ અંગે મ્યુનિ. હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડો.ભાવિન સોલંકીને પૂછતાં તેઓ કહે છે કે, “આમાં નાગરિકો માટે ચિંતાનું કોઇ કારણ નથી.
આ બંને સ્થળોના બર્ડ ફલૂ રિપોર્ટ જો પોઝિટિવ હોત તો અત્યાર સુધીમાં ભોપાલની લેબથી કોર્પોરેશનને મળી ચૂક્યા હોત, પરંતુ બર્ડ ફલૂના ‘નેગેટિવ’ રિપોર્ટને સાધારણ રીતે ભોપાલથી મોકલવામાં આવતા નથી અથવા તો વિલંબથી આવે છે.”

બીજી તરફ હાથીજણ બર્ડ ફલૂના એપી સેન્ટર એવા આશા ફાઉન્ડેશનની મુલાકાત લેનાર કેન્દ્રીય ટીમે પણ સમગ્ર સ્થિતિનું નિરીક્ષણ કર્યા બાદ તંત્રને એક પ્રકારે ‘કલીન‌િચટ’ આપી હોવાનો પણ સત્તાવાળાઓએ દાવો કર્યો છે. સત્તાવાળાઓ વધુ કહે છે, “કેન્દ્રીય ટીમ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ અને સર્વેક્ષણ કરવા પર જ ભાર મુકાયો છે. કેન્દ્રીય ટીમની ગાઇડલાઇન મુજબ તંત્ર કામગીરી કરી રહ્યું હોઇ હવે ભયનો માહોલ પણ નથી રહ્યો.”
http://sambhaavnews.com/

You might also like