મેમનગરના લોકોમાં રોષઃ બર્ડ ફ્લૂગ્રસ્ત મરઘીઅોને ગાર્ડન, પાર્ટી પ્લોટ સામે જ દફન કરાઈ!

અમદાવાદ: હાથીજણમાં ગત તા.ર જાન્યુઆરીએ ચાઇનીઝ મરઘીઓનો બર્ડ ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવતાં છેક દિલ્હી સુધી આના ગંભીર પડઘા પડ્યા હતા અને કેન્દ્રીય ટીમ સ્થળ તપાસ માટે દોડી આવી હતી. વસ્ત્રાલથી પકડાયેલ મરઘીઓ પૈકી ર૦૦ મરઘીઓ મેમનગરની સર્વ ધર્મ રક્ષક સેવા ટ્રસ્ટમાં મોકલી દેવાઇ હતી. આ મરઘીઓનો બર્ડ ફલૂ રિપોર્ટ ભોપાલની લેબમાંથી પોઝિટિવ આવ્યો છે, જેના કારણે તંત્રમાં દોડધામ મચી છે.

જોકે મ્યુનિસિપલ હદ વિસ્તારની કોઇ પણ અવાવરું જગ્યા અને નિર્જન સ્થળે તંત્ર દ્વારા બર્ડ ફલૂગ્રસ્ત મરઘીઓનો નિકાલ કરાયો નથી. પરંતુ મેમનગર જેવા શહેરની વચ્ચોવચ અને ભરચક વિસ્તારમાં કોર્પોરેશનના પાર્ટીપ્લોટ અને બગીચા સામે આવેલી આ સંસ્થાની અંદર બર્ડ ફલૂગ્રસ્ત મરઘીનો નિકાલ કરાતાં નાગરિકોમાં ભારે રોષ ફેલાઇ ગયો છે.
પૂર્વના હાથીજણ ગામમાં બર્ડ ફલૂ બાદ હવે પશ્ચિમના મેમનગરમાં બર્ડ ફલૂએ દેખા દેતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે.

હાથીજણના બર્ડ ફલૂથી વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો માહોલ ડહોળાશે તેવો ભય પણ પ્રસર્યો હતો. જોકે વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સમાપનની સાથે મેમનગરમાં બર્ડ ફલૂએ દેખા દેતાં સમગ્ર શહેરમાં ફરીથી ચકચાર મચી ગઇ છે. મેમનગરના સર્વધર્મ રક્ષક સેવા ટ્રસ્ટ દ્વારા રખાયેલી ર૦૦ મરઘીઓ પૈકી ત્રણ મરઘીઓનો બર્ડ ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવતાં મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ઇન્ચાર્જ વડા ડૉ. ભાવિન સોલંકી વધુમાં કહે છે કે અત્યારે તો રાજ્યના પશુપાલન વિભાગ દ્વારા સર્વધર્મ રક્ષક સેવા ટ્રસ્ટની અંદર જ તમામ ર૦૦ મરઘીઓનો નિકાલ કરાયો છે. આની સાથે સાથે કલેકટર કચેરીને મેમનગરની આ સંસ્થાથી એક કિ.મી. સુધીના વિસ્તારો ને બર્ડ ફલૂ અસરગ્રસ્ત જાહેર કરવાની સૂચના કોર્પોરેશન દ્વારા અપાઇ ગઇ છે.

વિજય ચાર રસ્તા પાસેના શરદ મહેતા પાર્ટી પ્લોટની સામે આવેલ સર્વધર્મ રક્ષક સેવા ટ્રસ્ટમાં રખાયેલી મરઘીઓનો બર્ડ ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવતાં આજે વહેલી સવારથી કોર્પોરેશનની ટીમે ઘટનાસ્થળે પહોંચી જઇને આજુબાજુનો વિસ્તાર બંધ કરાવ્યો હતો. કોર્પોરેશનની સૂચનાના આધારે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

દરમ્યાન સર્વધર્મ રક્ષક સેવા ટ્રસ્ટના સંચાલક જશ્મીન શાહ સહિત પાંચ જણાને આઇસોલેટ કરીને ઉપચાર માટે આશા ફાઉન્ડેશન લઇ જવાયા છે.  રાજ્યના પશુપાલન વિભાગના અધિકારી ડૉ.ડી.કે. કાપડિયા કહે છે કે કેન્દ્રની બર્ડ ફલૂ એકશન પ્લાન-ર૦૧પની ગાઇડલાઇન મુજબ મરઘીઓનું ‘સર્વાઇકલ ડિસ્કલોઝર’ પદ્ધતિથી ઇંજેકશન દ્વારા મૃત્યુ નિપજાવી બે મીટરથી વધુ ઊંડો ખાડો ખોદીને ચૂના સહિતનાં કેમિકલનો ઉપયોગ કરી સંસ્થાની અંદર દફન કરાઇ હતી.
મેમનગર જેવા ભરચક વિસ્તારમાં આવેલી સર્વ ધર્મ રક્ષક સેવા ટ્રસ્ટની અંદર મરઘીઓની દફનવિધિ કરાવવાથી લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. જોકે આ અંગે પૂછવામાં આવતાં સત્તાવાળાઓએ ભેદી મૌન પાળ્યું છે.

મ્યુનિસિપલ હેલ્થ વિભાગના ઇન્ચાર્જ ડૉ.ભાવિન સોલંકી કહે છે, “મેમનગરની સંસ્થાના પાંચ જણાને તંત્રએ ‘આઇસોલેટ’ કર્યા છે તેમજ આ વિસ્તારની ચાર ચિકનની દુકાનને પણ સીલ કરાઇ છે.  હેલ્થ વિભાગનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર. ખરસાણ કહે છે, સર્વધર્મ રક્ષક સેવા ટ્રસ્ટથી એક કિ.મી. સુધીના વિસ્તારમાં સર્વેક્ષણ કરવા આજે સવારથી રપ ટીમ મેદાનમાં ઉતારાઇ છે અને સાંજ સુધીમાં વધુ ૧૦૦ ટીમને મેદાનમંા ઉતારીને આવતી કાલ સાંજ સુધીમાં કુલ ૧૨૫ ટીમ દ્વારા સમગ્ર અસરગ્રસ્ત વિસ્તારનું સર્વેક્ષણ કરી લેવાશે. જોકે લોકોને ગભરાઇ જવાની જરૂર નથી.

કોર્પોરેશન દ્વારા મેમનગરના અસરગ્રસ્ત વિસ્તારમાં જંતુનાશક દવાનો છંટકાવ શરૂ કર્યો છે. આ વિસ્તારમાં એક પણ મરઘાં ઉછેર કેન્દ્ર નથી તેવો દાવો પણ તંત્રનો છે.આશરે ૨૫૦૦૦ ઘરનું સર્વેક્ષણતંત્ર કરશે. શહેરના મેમનગર વિસ્તારમાં ર૦૦ જેટલા મરઘીઓનો બર્ડ ફલૂ રિપોર્ટ પોઝિટિવ આવતાં ગઇ મોડી રાત્રે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ર૦૦ જેટલા મરઘીઓને દફનાવી દેવાઇ હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભય ન ફેલાય અને હોબાળો ન મચે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. ગુજરાત યુનિવર્સિટી પોલીસ તેમજ એસીપી ભારતી પંડ્યા સહિતની ટીમ દ્વારા મરઘીનાં નિકાલ થાય ત્યાં સુધી પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો.
http://sambhaavnews.com/

You might also like