બર્ડફ્લૂનો ડર વધ્યો અને બગીચો પણ ગયો

અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાંથી મળી આવેલાં મરઘાંઓને શહેરના મેમનગર વિસ્તારમાં આવેલી એક એનજીઓ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં. આ મરઘાંઓને બર્ડફ્લૂ થયો હોવાનું જણાતા તેમને મેમનગર અને નવરંગપુરા વિસ્તારની વચ્ચે આવેલા વીરાંજલિ વનમાં દાટવામાં આવ્યાં છે. આ વનને ત્રણ મહિના સુધી પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરી દેવાયો છે. તંત્રનો દાવો છે કે સ્થાનિકોના ચેકઅપ કરવામાં આવશે જેથી સ્થાનિકોનાં સ્વાસ્થ્ય પર કોઈ ખતરો ન રહે. સ્થાનિકોનું કહેવું છે કે મહાનગરપાલિકાની ટીમ એક વાર પૃચ્છા કરવા આવી હતી કે તેના સિવાય કોઈ ચેકઅપ કરવામાં આવ્યું નથી. આ વિસ્તારમાં પક્ષીઓ દાટીને તંત્રે બીમારીના ભયનો માહોલ ખડો કર્યો છે.

આ  વનની સામે બીજો એક મોટો બગીચો આવેલો છે. જે મોર્નિંગ-વોક તેમજ ઈત્તર પ્રવૃત્તિઓ માટે ઘણાં સમયથી ઉપયોગી બનતો આવ્યો છે. આ  બગીચાને પણ હાલ બંધ કરવામાં આવ્યો છે. આ તમામ કારણોસર સ્થાનિકો ભારે વિરોધ કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડૉ. અશ્વિન ખરાડી કહે છે કે, “હવે સ્થાનિકોએ ગભરાવાની જરૂર નથી. સતત દસ દિવસ સુધી અમે સ્થાનિકોનો સરવૅ કર્યો છે. જેમાંં કોઈને બર્ડ ફ્લૂના કારણે કોઈ બીમારી થઈ હોય તેવાં લક્ષણો જોવા મળ્યાં નહોતાં.”

અધિકારી ભલે હાલ સાંત્વના આપતા હોય પરંતુ સ્થાનિકો બર્ડફ્લૂનો ડર અને હરવાફરવા માટેના એકમાત્ર પાર્ક પર પ્રતિબંધ આવી જતા રોષે ભરાયા છે.
http://sambhaavnews.com/

You might also like