‘પક્ષી બચાવો અને નળ કાંઠા સ્વચ્છતા અભિયાન’ હાથ ધરાયું

અમદાવાદ : રાજ્યના વન વિભાગ, માનવ સેવા ટ્રસ્ટ અને તાતા મોટર્સના સંયુક્ત ઉપક્રમે નળ કાંઠા વિસ્તારના ગામોમાં ‘પક્ષી બચાવો અને નળ કાંઠા સ્વચ્છતા અભિયાન’ હાથ ધરાયું છે. ગઈ કાલે સવારે નળ સરોવરથી નાયબ વન સંરક્ષક આર. જી. પ્રજાપતિએ આ અભિયાનના ભાગરૂપે યોજાયેલી પદયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.ત્રણ દિવસ ચાલનારી આ પદયાત્રા વેકરિયા, મેણી, ધરજી, દેવડથલ વગેરે ગામોમાં થઈ શિયાળ ખાતે સમાપ્ત થશે.

આ પદયાત્રા દરમ્યાન નળ કાંઠા વિસ્તારના ગામોમાં પક્ષી બચાવ – સ્વચ્છતા અભિયાન વિષે જનજાગૃતિ ફેલાવવાના ભાગરૂપે પદયાત્રીઓએ ગામમાં કચરો એકઠો કરી તથા લોકોને ગુલાબ આપી આ અભિયાનને સાકાર કરવા અપીલ કરી હતી.આ પદયાત્રાનો પ્રારંભ કરાવતા નાયબ વન સંરક્ષક આર. જી. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, અહીં આવતા પક્ષીઓ પ્રવાસીઓ માટેનું આકર્ષણ છે.

નળ સરોવર ખાતે પક્ષી મહોત્સવનો પણ તાજેતરમાં યોજાયો હતો. પક્ષીઓના સંરક્ષણ માટે પણ વન વિભાગે પ્રયાસો હાથ ધર્યા છે ત્યારે આ પ્રકારનું અભિયાન પીઠ બળ સમાન છે એમ તેમણે ઉમેર્યું હતું.માનવ સેવા ટ્રસ્ટના મેનેજિંગ મનુભાઈ બારોટે જણાવ્યું હતું કે નળ સરોવર ખાતે દેશ-વિદેશમાંથી અસંખ્ય પક્ષીઓ આવે છે અને પક્ષીઓ અહીંની શોભા છે.

ત્યારે આ પક્ષીઓનું જતન-સંરક્ષણ થાય તે માટે આ આગવું અભિયાન છે.આ પ્રસંગે પક્ષી પ્રેમીઓ, વન સંરક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞો તથા ગ્રામજનો વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.

You might also like