જે સફળ થાય તે રિપીટ કરવામાં શું વાંધોઃ બિપાશા

સતત હોરર ફિલ્મો કરનારી બિપાશા બાસુને ટાઇપકાસ્ટ થવાનો જરાય ડર નથી. તે કહે છે કે સલમાનખાન અને અક્ષયકુમાર જેવા મોટા સ્ટાર પણ આજકાલ એક જ પ્રકારની ફિલ્મો અને પાત્ર કરે છે, કેમ કે દર્શકો તેમને એ રોલમાં જોવાનું પસંદ કરે છે. આવી ફિલ્મો હિટ પણ થાય છે, તેથી આ મોટા સ્ટાર્સને એક જેવી જ સ્ટોરી ધરાવતી ફિલ્મો કરવામાં વાંધો નથી હોતો. એ વસ્તુ અથવા એ ફિલ્મ જે સફળ થાય તે રિપીટ કરવામાં શું વાંધો હોય. એ જ ફોર્મ્યુલા ફરી ચલાવવામાં આવે છે. એ જ કારણ છે કે અલગ ફિલ્મો ઇન્ડસ્ટ્રીમાં ઓછી બને છે. લગભગ એક જેવી ફોર્મ્યુલા હોય છે, જેની પાછળ બધાં લાગેલાં રહે છે. તેમાં કંઇ ખોટું પણ નથી, કેમ કે અમારું કામ હોય છે બધાંનું મનોરંજન કરવાનું.
બિપાશાની સફળતાનું રહસ્ય તેના અભિનયની સાથેસાથે તેની બ્યુટી પણ છે એ અંગે વાત કરતાં તે કહે છે કે મારું પરફેક્ટ ફિગર અને ગ્લેમરસ અંદાજ પણ મારી સફળતાનાં કારણ બન્યાં. મારા શ્યામવર્ણી રૂપરંગની સાથે અભિનય ક્ષમતાનો સહારો મને મળ્યો, જોકે મેં અભિનયની બાબતમાં પણ કોઇને ફરિયાદનો મોકો આપ્યો નથી. એક દાયકા સુધી બોલિવૂડમાં રહ્યા છતાં બિપાશાને અહીં કોઇ નજીકના મિત્રો નથી. તે કહે છે કે મારો એવો કોઇ મિત્ર નથી, જેનો નંબર મેં સ્પીડ ડાયલમાં રાખ્યો હોય. હું બધાંની સાથે સારી રીતે વર્તું છું, પરંતુ નજીકના મિત્રો કોઇ નથી.

You might also like