ઈરફાન ખાન પાસે ખાવાના પણ પૈસા નહોતા

બોલિવૂડના ટેલેન્ટેડ સ્ટારમાં બિરાજમાન ઇરફાન ખાનની અસલી જિંદગીની કહાણી હૃદયદ્રાવક છે. ઇરફાન ખાન પાસે એક સમયે ખાવાના પણ પૈસા ન હતા. તે રસ્તા પર ભટકતો હતો. તેની પાસે જમવા માટેના પૈસા પણ ન હતા. આવા સમયે એક છોકરી તેની જિંદગીમાં આવી.

રાજસ્થાનની રાજધાની જયપુરના આમેરઓડ વિસ્તારમાં એક સાધારણ પરિવારમાં જન્મેલા ઇરફાન ખાનના પિતાની આ વિસ્તારમાં જ ટાયર પંક્ચર બનાવવાની દુકાન હતી. ઇરફાન ખાન પરિવારનો સૌથી મોટો પુત્ર હતો. ઘરના લોકોને એવી આશા હતી કે ઇરફાન જલદી કમાવાનું શરૂ કરી દેશે, પરંતુ ઇરફાન આમ કરવામાં અસફળ રહ્યો. તે ઘરેથી ખોટું બોલીને દિલ્હી આવી ગયો. અહીં આવીને રાષ્ટ્રીય નાટ્ય વિદ્યાલયમાં પ્રવેશની કોશિશ કરી, પરંતુ તેની પાસે આ માટે જરૂરી ૧૦ નાટકનો અનુભવ ન હતો. ઇરફાન ફરી વાર ખોટું બોલ્યો. ત્યાં સુધી તો બધું સારું ચાલ્યું, પરંતુ મોટી પરેશાની તો ત્યારે આવી જ્યારે એનએસડીમાં તેને પ્રવેશ મળી ગયો. તેના પિતા મૃત્યુ પામ્યા.

ઘરની આવકનો એકમાત્ર સ્રોત ખતમ થઇ ગયો. મજબૂરીમાં પિતાની ટાયરની દુકાન નાના ભાઇ ઇમરાને સંભાળી, પરંતુ ઇરફાનને ઘરમાંથી પૈસા મળવાના બંધ થઇ ગયા. પહેલાં પણ મળતા તો ન હતા, પરંતુ પિતાના મૃત્યુ બાદ હવે તેની પાસે એનએસડીથી મળનારી ફેલો‌શિપ જ સહારો હતી.

કદ-કાઠી અને ગ્રામીણ પહેરવેશના કારણે ઇરફાનની એનએસડીમાં પણ ઉપેક્ષા થતી હતી. ઘરેલુ પરેશાનીઓની સાથેસાથે એનએસડીની પરેશાનીઓ સહન કરતાં કરતાં ઇરફાન તૂટી રહ્યો હતો. આ બધી વાતોને એક છોકરી ધ્યાનથી જોતી રહેતી. તે હતી એનએસડીમાં ઇરફાનની સહપાઠી. તે દિલ્હીની રહેવાસી હતી, પરંતુ તેને ઇરફાનમાં રસ પડ્યો.

એક સમય એવો પણ આવ્યો જ્યારે ઇરફાનને ખાવાનાં પણ ફાંફાં પડવા લાગ્યાં. આ સમયે આ છોકરીએ ઇરફાનને સાથ આપ્યો. તે ટિફિન લાવતી અને ઇરફાનને જમાડતી.

એનએસડીનો અભ્યાસ પૂરો થયા છતાં ઇરફાન કોઇ કમાલ કરી શક્યો ન હતો. મીરાં નાયરની ફિલ્મ ‘સલામ બોમ્બે’ માટે તેની પસંદગી તો થઇ, પરંતુ કોઇક કારણસર તેને હટાવી લેવાયો. દિલ રાખવા માટે તેને થોડીક સેકન્ડનો એક નાનકડો રોલ આપ્યો. ઇરફાન ખૂબ રડ્યો ત્યારે જ મિત્રો સાથે એક ટેલિફિલ્મ બનાવી હતી, જેને જોઇને ગોવિંદ નિહલાનીએ તેને મુંબઇ બોલાવ્યો.

નિહલાનીએ ટીવી માટે બનાવેેલી ત્રણ ટેલિફિલ્મોમાં તેણે કામ કર્યું. મુંબઇના મરીન લાઇન્સની એક પીજીમાં તે રહેવા લાગ્યો. ત્યારે પોતાના રૂમના ફોટા દિલ્હીવાળી છોકરીને મોકલ્યા કરતો હતો. બંને પ્રેમમાં પડી ચૂક્યાં હતાં, પણ ઇરફાનની કારકિર્દી જોતાં તેની સાથે લગ્ન કોણ કરે? તેમ છતાં એ છોકરીએ તેનો સાથ ન છોડ્યો. તે દરેક પગલે ઇરફાનની સાથે રહી.

ઇરફાનને ટીવીમાં કામ મળવાનું શરૂ થયું, જોકે ઇરફાનની આર્થિક ‌સ્થિતિમાં કોઇ ખાસ ફાયદો ન થયો. આ સમયે તેની એકમાત્ર સાથી એ છોકરી હતી.

એક સમય આવ્યો જ્યારે સિનેમાની દુનિયામાં ઇરફાન અને તેની સહપાઠીને બરાબરનાં કામ મળવા લાગ્યાં ત્યારે જ બંનેને લગ્ન કરવાનું નક્કી કર્યું. આ સહપાઠીનું નામ હતું સુપના સિકંદર. બંનેએ ૧૯૯પમાં લગ્ન કરી લીધાં. સુપનાએ ‘સુપારી’ અને ‘શબ્દ’ જેવી ફિલ્મો લખી છે. સુપનાનો વિશ્વાસ રંગ લાવ્યો. આજે ઇરફાન દેશના સૌથી ટેલેન્ટેડ સ્ટારમાંનો એક છે. તે હોલિવૂડમાં પણ કામ કરી ચૂક્યો છે. ઇરફાનને ર૦૧૧માં ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કર્યો છે.

 

You might also like