બીલીપત્રને શિવજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે

ભગવાન શિવને બીલી ચઢાવવાનું ખૂબ જ મહત્વ છે. ભારતીય ઋષિઓએ બીલીપત્રને ભગવાન શિવજીની પૂજામાં સ્થાન આપી તેનું મહત્ત્વ વધાર્યું છે. શિવપુરાણમાં બીલીને શિવજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. માટે આ ઝાડની પૂજા કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને આપણી બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે.

શિવજી માયાથી પર છે, તેઓને ગુલાબ-મોગરા જેવા સુગંધિત ફૂલો કે પાંદડાંઓ પસંદ નથી અને એટલે જ ધતૂરાનું ફૂલ અને વગર સુગંધના બીલીનાં પાન પસંદ છે.

શિવભક્ત ત્રણ પાંદડાંવાળું બીલીપત્ર ભગવાન શંકરને ચડાવે છે. શિવ પુરાણમાં તો એ પણ જણાવ્યું છે કે, એક વખત શિવજીને ચડાવેલા બીલીપત્ર તમે તેને ધોઈને ફરી અગિયાર વખત ચડાવી શકો છો. શિવલિંગ ઉપર તમે એક બીલીપત્ર ચડાવો કે એક હજાર કે એક લાખ. પુણ્ય તો બધાનું સરખું જ મળે છે.

આ વૃક્ષ માત્ર ફળ જ નથી આપતું, પણ એપ્રિલ માસમાં સુગંધિત ફૂલ પણ આપે છે. એક પૌરાણિક કથા અનુસાર જ્યારે સાગરમંથન થયું અને તેમાંથી વિષ પ્રાપ્ત થયું ત્યારે તે હળાહળ વિષ મહાદેવને પીવાનો વારો આવ્યો. તેઓ એ તમામ દેવતાઓ તરફથી પોતે સર્વ ઝેર ગટગટાવી ગયા. કંઠમાં સમાયેલા ઝેરને હિસાબે તેમનું ગળું એકદમ લીલું કાચ જેવું થઈ ગયું. મહાદેવ ‘નીલકંઠી’ કહેવાયા.

આવા હળાહળ ઝેર પીવાને કારણે મહાદેવ ઉપર બીલીપત્રના રસનો ઉપયોગ કરવામાં આવ્યો. જેને હિસાબે ભોળાનાથનું ગળું ઠંડું પડે. આ કથા અનુસાર પણ મહાદેવજીને બીલીપત્ર ચડાવીને પ્રસન્ન કરાય છે. આ વૃક્ષને શ્રીવૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે, જે દેવી લક્ષ્મીનું જ એક નામ છે.

માટે બીલીની પૂજાથી લક્ષ્મીજીની પણ કૃપા મળે છે અને ઘરમાંથી પૈસાની અછત દૂર થાય છે. જો કોઇ કુંડળીમાં ગ્રહ સંબંધિત દોષ હોય કે ગરીબી દૂર જ ન થતી હોય તો, બિલીની પૂજાથી શુભ ફળ મળે છે. જુઓ બીલીના ઝાડની પૂજા વિધિ.

પૂજા કરવાની રીતઃ સવારે સ્નાન કરી સફેદ કપડાં પહેરી બીલીના ઝાડની પૂજા કરવી જોઇએ. આ પૂજા સોમવારે કરવી શુભ રહે છે. પૂજામાં ચંદન, ફૂલ, વસ્ત્ર, તલ, અનાજ વગેરે વસ્તુઓ ચઢાવવી. ધૂપ અને દીવો કરો. શિવલિંગ પર બીલી ચઢાવવાથી શિવજીની કૃપા મળી રહે છે અને દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે.

– શિવલિંગ પર બીલી ચઢાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે, એક પણ પાન ફાટેલું કે કપાયેલું ન હોવું જોઇએ.
– રોજ સવારે બીલીના ઝાડને જળ ચઢાવવાથી બધા જ ગ્રહ દોષ દૂર થઈ શકે છે. પિતૃ દોષની અશુભ અસર પણ ઓછી થાય છે.

સ્કંદપુરાણમાં જણાવ્યા અનુસાર એકવાર દેવી લક્ષ્મીએ તેમના કપાળ પરનો પરસેવો લૂછયો, જેનાં થોડાં ટપકાં મંદાર પર્વત પર જઈ પડ્યાં. જેનાથી બીલીનું ઝાડ ઉત્પન્ન થયું. આ ઝાડનાં મૂળમાં ગિરિજા, થડમાં મહેશ્વરી અને ડાળીઓમાં દાક્ષાયની, પત્તાંમાં પાર્વતી, ફૂલમાં ગૌરી અને ફળમાં દેવી કાત્યાયની વાસ કરે છે.•

You might also like