બાઇક પર આવેલા બે શખ્સો યુવતીના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી ફરાર

અમદાવાદ: અમદાવાદના બાપુનગર વિસ્તારમાં બાઇક પર આવેલા યુવકો યુવતીના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ફરાર થઇ જવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાપુનગર પોલીસે આ મામલે બે અજાણ્યા યુવકો વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત મહિતી અનુસાર કલ્યાણનગર હીરાવાડી ખાતે રહેતી 26 વર્ષીય નીતા કિશોરભાઇ રાઠોડે થોડાક દિવસો પહેલાં 11 હજાર રૂપિયાનો ફોન ખરીદ્યો હતો. તારીખ 3 જાન્યુઆરીની રાતે સાડા આઠ વાગ્યાની આસપાસ નીતા હીરાવાડી રોડ પર ચાલવા નીકળી ત્યારે રઘુનાથ સ્કૂલની બાજુના ગેટ પાસે બાઇક પર આવેલા બે અજાણ્યા યુવકો નીતાના હાથમાં રહેલો મોબાઇલ ઝૂંટવીને ફરાર થઇ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ નીતા બે દિવસ માટે બહારગામ ગઇ હતી. ગઇ કાલે અમદાવાદ આવતાં તેણે બાપુનગર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ચોરીની ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે બાઇક પર આવેલા શખ્સોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે ત્યારે બાપુનગર વિસ્તારમાં હીરાવાડી પાસે આવેલા તમામ સીસીટીવી ફૂટેજ ચેક કરી તપાસ શરૂ કરાઇ છે.
http://sambhaavnews.com/

You might also like