ટેસ્ટ ડ્રાઈવિંગના નામે બુલેટ બાઈક લઈ યુવાન નાસી છૂટ્યો!

અમદાવાદ: જો ગ્રાહકને તમે ટેસ્ટ ડ્રાઇવ માટે ગાડી આપો છો અને તેના ડ્રાઇવિંગ લાઇસન્સની ઝેરોક્સ કોપી તમે લો છો તો એક વખત ડ્રાઇવિંગ લાઇસન્સની ખરાઇ કરજો, કારણ કે બનાવટી લાઇસન્સ આપી ગાડી લઇ ફરાર થઇ જવાનો કિસ્સો અમદાવાદમાં બન્યો છે. નહેરુનગરમાં આવેલા રોયલ એનફિલ્ડ નામના શો-રૂમમાં એક યુવક બનાવટી લાઇસન્સ આપી ટેસ્ટ ડ્રાઇવના બહાને રૂ.૧.૭ર લાખનું બુલેટ લઇ ફરાર થઇ ગયો છે. આ અંગે સેટેલાઇટ પોલીસે ગુનો નોંધી આરોપીની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી અનુસાર નહેરુનગર વિસ્તારમાં આવેલા રોયલ એનફિલ્ડ કંપનીના શો-રૂમમાં એક અઠવાડિયા પહેલાં સાંજના સમયે એક યુવક રોયલ એનફિલ્ડ બુલેટ-પ૦૦ સીસીનું જોવા આવ્યો હતો. યુવકે બુલેટની ટેસ્ટ ડ્રાઇવ લેવાનું જણાવતાં સેલ્સ એ‌િક્ઝક્યુ‌િટવ મેહુલ ભેડાનાએ યુવકના લાઇસન્સની ઝેરોક્સ લઇ બુલેટ ટેસ્ટ ડ્રાઇવ માટે આપ્યું હતું.

એકાદ કલાક વીતવા છતાં યુવક બુલેટ લઇ પરત ન આવતાં આ અંગે મેહુલે સેલ્સ મેનેજરને જાણ કરી હતી. યુવકે આપેલા લાઇસન્સની ઝેરોક્સમાં આંબાવાડીના એડ્રેસ પર જઇ તપાસ કરતાં રાજેન્દ્રકુમાર ભગત નામની કોઇ વ્યક્તિ ન રહેતી હોવાનું બહાર આવ્યું હતું, જેથી યુવક બનાવટી લાઇસન્સની કોપી આપી રૂ.૧.૭૩ લાખનું બુલેટ લઇ ફરાર થઇ ગયો હતો.

આ અંગે સેેટેલાઇટ પોલીસ સ્ટેશનના પી.આઇ. એમ.યુ. મશીએ જણાવ્યું હતું કે આરોપી શો-રૂમના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગયો છે, જેના આધારે તેની શોધખોળ શરૂ કરી છે.
http://sambhaavnews.com/

You might also like