શહેરમાં ઉબેર દ્વારા ગેરકાયદે ચલાવાતી બાઈક સર્વિસ!

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઉબેરમોટો દ્વારા ગેરકાયદે રીતે સર્વિસ આપવામાં આવે છે. આરટીઓ દ્વારા બે બાઇકને પકડીને કાયદેસરની કાર્યવાહી કરીને છ માસ સુધી તેઓનાં ર‌િજસ્ટ્રેશન રદ કરી દેવામાં આવ્યાં છે, તેમ છતાં પણ શહેરમાં ઉબેર દ્વારા મોટો સર્વિસ ચાલુ રાખવામાં આવી છે.

આરટીઓમાં આ ઉબેર મોટોકાંડ પકડાયા બાદ ‘સમભાવ મેટ્રો’ના પ્રતિનિધિ દ્વારા ઉબેરની મોબાઇલ એપ પરથી તા.૩૦ જુલાઇના રોજ સવારે ૯.૩૮ કલાકે ઉબેરમોટો સર્વિસ બુક કરાવાઇ હતી. બુક કરાવ્યા પછી ૯.પ૦ વાગ્યે અમુલખ્ખા નામનો ડ્રાઇવર બાઇક (નંબર જીજે-૦૧-એમસી-૭૦૧પ) લઇને આવ્યો હતો.

‘સમભાવ’ના પ્રતિનિધિએ બાઇક પાછળ બેસી નહેરુનગર સુધી મુસાફરી કરી હતી, જે પેટે રૂ.૩૩ ભાડું ચૂકવ્યું હતું. મુસાફરી સમયે ડ્રાઇવર સાથે વાતચીત કરતાં અમુલખ્ખાએ જણાવ્યું હતું કે હું છેલ્લા બે મહિનાથી ઉબેરમોટોમાં છું. જ્યારે પ્રતિનિધિએ સુરક્ષા વિશે ડ્રાઇવરને પૂછ્યું કે અકસ્માત થાય તો કોની જવાબદારી? તો ડ્રાઇવરે હસતાંની સાથે કહ્યું કે એ તો આપણી પોતાની જવાબદારી. કંપની અમને કંઇ સુવિધાઓ આપે તો અમે તમને આપીએ ને? બાઇકચાલકે હેલ્મેટ પણ પહેરી ન હતી.

શહેર પોલીસ કમિશનરની પણ પરવાનગી લેવાઇ હોય છે. આ ઉપરાંત ટેક્ષી માટેના તમામ નિયમો જેવા કે પર‌િમટ, ફિટનેસ, પાસિંગ, પીળી નંબર પ્લેટ ફર‌િજયાત રાખવાના નિયમોને ફર‌િજયાત અનુસરવું પડે છે. જ્યારે દર વર્ષે આવી ગાડીઓને આરટીઓમાં લાવીને ફર‌િજયાત ચકાસણી કરાવવી પડે છે, પરંતુ ઉબેર દ્વારા કોઇ પણ મંજૂરી કે કાયદાકીય પ્રક્રિયા વિના આ સર્વિસ શરૂ કરી દેવાઇ છે.

આ અંગે એઆરટીઓ ડી. એચ. યાદવે જણાવ્યું કે ઉબેર કંપની દ્વારા ટુવ્હીલરને ટેક્ષીરૂપે ફેરવવામાં આવે છે. ઉબેર કંપની દ્વારા કોઇ જ પરવાનગી લેવામાં નથી આવી. રાજ્યમાં કોઇ કંપનીને આવી પરવાનગી આપવામાં આવી નથી, જેથી આ કંપની દ્વારા ગેરકાયદે રીતે સર્વિસ આપવામાં આવે. આરટીઓ દ્વારા સઘન અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જેમાં અમે ટ્રાફિક પોલીસની મદદ લઇને ઉબેર દ્વારા ચલાવવામાં આવતી બાઇક ડિટેઇન કરીશું.

You might also like