કારમાં બેસવા જતી મહિલાનું પર્સ આંચકી બાઇકસવાર ફરાર

અમદાવાદઃ આજ કાલ શહેરમાં ચેઇન સ્નેચિંગનાં બનાવો વધતાં જઇ રહ્યાં છે. ત્યારે પોલીસ દ્વારા આવા બનાવોને અટકાવવા લોકોમાં જાગૃતિ લાવવામાં આવી હતી. જેનાં પગલે હવે ચેઇન સ્નેચરોને ચેઇન સ્નેચિંગમાં સફળતા ન મળતાં તેઓએ હવે પર્સ સ્નેચિંગ શરૂ કર્યું છે.

નારણપુરામાં કપડાંની ખરીદી કરી અને કારમાં બેસવા જતી એક મહિલાનું બપોરે કોઇક અજાણ્યો શખ્સ પર્સ ખેંચીને ફરાર થઈ ગયો હતો. રોકડા રૂપિયા ૨૦ હજાર અને મોબાઈલ ફોન તેમજ અન્ય ડોક્યુમેન્ટ સહિતની માલ મત્તા ચોરી કરી ફરાર થઈ જતાં તે મહિલાએ નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સેટેલાઈટમાં આવેલા બીમાનગરમાં રહેતા સંગીતાબહેન સુરતી કાલે બપોરે તેમનાં ભાભી અને ભત્રીજી સાથે ગાડી લઈને કપડાંની ખરીદી કરવા નારણપુરા વિજય કોલોની ખાતે ગયાં હતાં.

તેઓ જ્યારે પરત આવ્યાં અને ગાડીનો દરવાજો ખોલી અંદર બેસવા જતાં તે દરમ્યાનમાં એક ટુ-વ્હીલર પર આવેલ અજાણ્યો ઇસમ સંગીતાબહેનનાં હાથમાં રહેલ પર્સ કે જેમાં રોકડા રૂપિયા ૨૦ હજાર, મોબાઈલ ફોન કિંમત રૂ.૧૦ હજાર અને ડોક્યુમેન્ટ હતાં.

તે પર્સ ખેંચીને તે શખ્સ ફરાર થઈ ગયો હતો. જો કે પર્સની લૂંટ થતાં જ સંગીતાબહેન બૂમો પાડી તેની પાછળ દોડ્યાં હતાં પરંતુ તે શખ્સ ફરાર થવામાં સફળ રહ્યો હતો. સંગીતાબહેને નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

You might also like