Header

હેલ્મેટ નહીં પહેરી અમદાવાદીઓએ એક જ મહિનામાં ૩૮.૬૭ લાખ દંડ ચૂકવ્યો

અમદાવાદ: શહેરમાં દિન-પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા જટીલ બની રહી છે ત્યારે ટ્રાફિક વિભાગ એવું ઈચ્છી રહ્યો છે કે તમામ વાહનચાલકો ટ્રાફિક નિયમોનું પાલન કરે, જેથી અકસ્માતના બનાવમાં ઘટાડો જોવા મળે. ટ્રાફિક નિયમોનું ફરજિયાત પાલન કરાવવાના હેતુસર દંડની રકમ પણ થોડા સમયથી બમણી કરી દેવામાં અાવી છે. ટ્રાફિક નિયમોની ૈસી કી તૈસી કરનારા વાહન હાંકનારાઓ પાસેથી ટ્રાફિક પોલીસે ગત જાન્યુઅારી મહિનામાં ૧ કરોડથી પણ વધુનો દંડ વસૂલ્યો છે.

જેમાં પ્રથમ ક્રમે હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવતા ચાલકો પાસેથી રૂપિયા ૩૮,૬૭,૪૦૦ વસુલવામાં અાવ્યા છે. જ્યારે બીજા ક્રમે સીટ બેલ્ટ બાંધ્યા વિના કાર ચલાવતા અમદાવાદીઓ છે. જેમની પાસેથી ૮૫૭૧૦૦નો દંડ જ્યારે મોબાઈલ પર વાત કરતા શહેરીજનો પાસેથી કુલ રૂ. ૫,૮૪,૭૭૫નો દંડ વસૂલવામાં અાવ્યો છે. હમ નહિ સુધરેંગે તેવું માની બેઠેલા અમદાવાદીઓ ફરજ સમજી ક્યારે ટ્રાફિક નિયમોનું પાલન કરશે તે એક પ્રશ્ન છે. ગેરકાયદે પાર્કિંગ કરનારા પાસેથી ૧૦ લાખથી વધુનો દંડ વસૂલાયો છે.

અમદાવાદ શહેરમાં વસવા માટે વાહન વસાવું અનિવાર્ય છે. શહેરમાં કુલ 35 લાખથી વધુ વાહનો પ્રતિદિન રસ્તાઓ ઉપર ફરી રહ્યાં છે.  શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી બને અને શહેરીજનો ટ્રાફિક નિયમન કરતા થાય તે હેતુથી દંડની રકમમાં વધારો કરાયો છે પાંચ મિનીટમાં આવું છું તેવું કહી આડેધડ પાર્કિંગ કરી જતા રહેતા વાહનચાલકો પાસેથી પોલીસ દંડ કરવાથી લઇને વાહન ડીટેઈન કરવાની કાર્યવાહી શરૂ કરી છે.

ચાલુ વાહને મોબાઈલ પર વાત ન કરવી હેલ્મેટ પહેરવી, સીટ બેલ્ટ બાંધવો જેવા નિયમોનું મોટા ભાગના વાહનચાલકો પાલન કરતા નથી. તાજેતરમાં શહેરના અખબાર સર્કલ પાસે એએમસી ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અા ઘટનામાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. શહેરના નવા વાડજમાં રહેતા ૩૮ વર્ષના યુવક અશેષ પટેલ તેનું બાઈક લઈને અખબારનગર પાસે પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન પૂરપાટ અાવતી એએમસી ડમ્પરએ બાઈકને અડફેટે લીધી હતી. જ્યાં યુવક ડમ્પર ટાયરની નીચે અાવી જતાં તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું. પોલીસને પ્રાથમિક તપાસ કરતાં મૃતક યુવક ચાલુ વાહને ફોન પર વાત કરતો હતો.

ટ્રાફિક વિભાગે ચાલુ માસે અાવા કેટલા લોકોને દંડ્યા પણ અમદાવાદીઓના ટ્રાફિક સેન્સ અને નિયમ પાલનમાં સુધારો જોવા મળતો નથી ત્યારે બીજી તરફ અાવનારા દિવસોમાં પોલીસ પણ વધુ સીસીટીવી કેમેરા લગાવવા ઉપરાંત ટ્રાફિકના ભંગ બદલ સખત કાર્યવાહી કરશે. અા અંગે ટ્રાફિક વિભાગના એડિશનલ પોલીસ કમિશનર સુભાષ ત્રિવેદીએ જણાવ્યું હતું કે ટ્રાફિક નિયમન અને ટ્રાફિક માટેની અવેરનેસને વધારવા માટે પોલીસ પ્રયત્ન કરતી હોય છે. તેમ છતાં તેનું નિરાકરણ અાવ્યું નથી. અધધ કહી શકાય તેવો દંડ શહેરીજનો માત્ર એક જ માસમાં ભરી ચૂક્યા છે પણ નિયમોનું પાલન શા માટે લોકો નથી કરતા તે એક પ્રશ્ન છે. શહેરમાં પ્રાણઘાતક અકસ્માતોનો ડેટાના અાધારે રિસર્ચ કરીને ટ્રાફિક પોલીસ અાવા અકસ્માતો રોકવા સ્ટ્રેટેજી ઘડી કાઢશે.

You might also like