પહેલાં બાઈક, વીજમીટર સળગાવ્યું, ઘર ખાલી કર્યું તો તે પણ સળગાવી દીધું !

અમદાવાદ: શહેરના રામોલ વિસ્તારમાં રહેતાે એક પરિવાર છેલ્લા 6 દિવસથી અસામા‌િજક તત્ત્વોના આતંકનો ભોગ બની રહ્યાે હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અસામાજિક તત્વોએ પરિવારને ટાર્ગેટ કરતાં મોડી રાતે ત્રણ વાગ્યા પછી તેમનાં બાઇક- મીટરબોક્સ તથા ઘરને આગ લગાવીને ફરાર થઇ જતાં મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે. રામોલ પોલીસે આ મામલે તપાસ શરૂ કરીને અસામા‌િજક તત્વોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર રામોલ વિસ્તારની ગફુરબસ્તી તલાવડી પાસે આવેલ ખાનવાડીમાં પત્ની અને 6 બાળકો સાથે કાચા મકાનમાં રહેતા સિદ્દિકી હિસામુદ્દીન હકીમુદ્દીન રિક્ષા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનાે આરોપ છે કે છેલ્લા 6 દિવસથી કેટલાંક અાસામા‌િજક તત્વો દ્વારા તેમના પરિવારને હેરાન-પરેશાન કરવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે અાસામા‌િજક તત્ત્વો તા. 16 ડિસેમ્બરના રોજ મોડી રાતે ત્રણ વાગ્યાની આસપાસ પલ્સર બાઇક સળગાવીને ફરાર થઇ ગયા હતા, જેની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.

તા. 18 ડિસેમ્બરના રોજ મોડી રાતે પણ અસામા‌િજક તત્વો ઘરની બહાર પડેલ બે ખાટલા તથા મીટર બોકસને આગચંપી કરીને ફરાર થઇ ગયા હતા. લુખ્ખાઓના ત્રાસથી ગઇ કાલે આખો પરિવાર પાડોશમાં આવેલ ચાલીના ભાડાના મકાનમાં રહેવા ગયો હતો, જેનો લાભ લઇને મોડી રાતે તેમના ઘરને આખું સળગાવી દીધેલ હતું. આ ઘટનામાં સિદ્દિકી પરિવારનો ઘરવખરીનો સામાન બળીને ખાખ થઇ ગયો હતો. રામોલ પોલીસે આ ત્રણેય ઘટનાઓમાં અસામા‌િજક તત્ત્વોને શોધવા તજવીજ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like