બાઇક આપવાનો ઇનકાર કરતાં સાળાએ બનેવી પર છરી વડે હુમલો કર્યો

અમદાવાદ: અમદાવાદના નિકોલ વિસ્તારમાં ગઇ કાલે એમ્બ્રોઇડરીના કારખાનામાં સાળાએ બનેવી ઉપર છરી વડે હુમલો કરવાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. બનેવીએ સાળાને બાઇક આપવાનો ઇનકાર કરતાં સાળાએ ઉશ્કેરાઇને બનેવી પર છરી વડે હુમલો કર્યો હતો, જેમાં બનેવી ગંભીર રીતે ઘવાતાં તેમને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નિકોલમાં આવેલ સ્વામીનારાયણ સોસાયટી વિભાગ-1માં રહેતા 37 વર્ષીય પ્રવીણભાઇ ચૌહાણ નિકોલમાં આવેલા સરદાર મોલમાં એમ્બ્રોઇડરીનું કારખાનું ચલાવે છે. આ કારખાનામાં પ્રવીણભાઇનો સાળો ભરત વાઘેલા કામ કરતો હતો. છેલ્લા 4 મહિનાથી ભરત નોકરી છોડીને ઘરે બેઠો હતો.

ગઇ કાલે ભરત બનેવી પ્રવીણભાઇના કારખાના ઉપર આવ્યો હતો અને પગારના બાકી રહેલા 5 હજાર રૂપિયાની માગણી કરી હતી, જેમાં પ્રવીણભાઇએ ભરતને એક હજાર રૂપિયા આપ્યા હતા. આ સિવાય ભરતે બનેવીને બહાર ફરવા માટે જવું છે, જેથી તમારી બાઇક આપો તેવંુ કહ્યું હતું, જોકે પ્રવીણભાઇને કામ હોવાથી તેને બાઇક આપવાનો ઇન્કાર કરી દીધો હતો, જેથી સાળા-બનેવી વચ્ચે બોલાચાલી થઇ ગઇ હતી.

જોતજોતામાં ભરતે તેના બનેવી પર છરી વડે હુમલો કરી દીધો હતો. આ ઘટનામાં પ્રવીણભાઇને બચાવવા માટે પડેલા તેમના ભાઇને પણ છરીના ઘા વાગતાં સામાન્ય ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત પ્રવીણભાઇને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. નિકોલ પોલીસે ભરત વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે.

You might also like