બાઈક એજન્સી ગોરખપુર હોસ્પિટલમાં ઓક્સિજન પુરવઠો પૂરો પાડતી હતી!

લખનૌ: તાજેતરમાં ગોરખપુરની મેડિકલ કોલેજની હોસ્પિટલમાં જે દુર્ઘટના સર્જાઈ હતી તે અંગે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે આ મેડિકલ કોલેજની હોસ્પિટલમાં એક બાઈકની એજન્સીવાળા ઓકિસજનનો પુરવઠો પૂરો પાડતા હતા એટલું જ નહિ, પાઈપ લાઈનની પાંચ વર્ષની વોરંટી હોવા છતાં આ દુર્ઘટના સર્જાઈ હતી, જેમાં કોમ્પ્રેસ્ડ એરની પાઈપ લાઈનમાં પાણી આવતું હોવાથી પાઈપ લાઈનનું ડ્રાયર ચાલતું ન હતું અને કદાચ તેના કારણે જ દુર્ઘટના થઈ હોવાનું તપાસ કરનારાની ટીમ હાલ અનુમાન લગાવી રહી છે.

આ અંગે તપાસ કરતાં વધુમાં જાણવા મળ્યું હતું કે પાઈપ લાઈનમાં ખામી સર્જાતાં પાઈપ લાઈન દ્વારા ઓપરેશન થિયેટર અને આઈસીયુના વેન્ટિલેટરને પણ નુકસાન થતાં તે અંગે બે વખત ફરિયાદ પણ કરવામાં આવી હતી. તેમ છતાં ડ્રાયર બદલવામાં આવ્યું ન હતું. તેથી આ દુર્ઘટના પહેલાં એવી ચેતવણી આપવામાં આવી હતી કે જો આવી ખામી સુધારવામાં નહિ આવે અને જો કોઈ દુર્ઘટના સર્જાશે તો તેની જવાબદારી તમારી રહેશે તેવી એક ફરિયાદ થઈ હતી.

૧૪ જુલાઈ, ૨૦૧૪ના રોજ ફરિયાદપત્ર મોકલાયો હતો
ગોરખપુરની મેડિકલ કોલેજની હોસ્પિટલમાં જે દુર્ઘટના સર્જાઈ હતી તેને લગતો ફરિયાદ પત્ર ગત ૧૪ જુલાઈ, ૨૦૧૪ના રોજ ઉત્તર પ્રદેશના કાનપુરના હદયરોગના સંસ્થાના વડાએ પુષ્પા સેલ્સ નામની તે પેઢીને મોકલાવ્યો હતો કે જે હવે બીઆરડી કોલેજમાં ઓકિસજનનો પુરવઠો બંધ કરવાને લઈને વિવાદમાં આવી ગઈ છે.

યોગી આદિત્યનાથ સામે અનુરાગ કશ્યપનો બળાપો
ગોરખપુરની મેડિકલ કોલેજની દુર્ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ત્યારે બોલિવૂડના જાણીતા ફિલ્મકાર અનુરાગ કશ્યપે ડો. કફીલ ખાનને તેમના પદ પરથી હટાવી દેવાની વાત કરી યોગી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે યોગી આદિત્યનાથને ટિવટ કરી આડે હાથ લેતાં જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યકિત ખુલ્લી પડી જાય તો તે તેની ભૂલનો દોષ કોઈ અન્ય વ્યકિત પર ઢોળી દેતી હોય છે તેવી સરકારે ની‌િત અપનાવી છે.

આરોગ્ય પ્રધાનના ઘર પર ઈંડાં-ટામેટાં ફેંકાયાં
દરમિયાન આ ઘટનાના વિરોધમાં રોષે ભરાયેલા સમાજવાદી પાર્ટીના કાર્યકરોએ રાજ્યના આરોગ્યપ્રધાન સિદ્વાર્થનાથ સિંહના ઘર પર ઈંડાં અને ટામેટાંનો મારો ચલાવ્યો હતો. સમાચાર સંસ્થા એએનઆઈના જણાવ્યા મુજબ એસપીના કેટલાક કાર્યકરોએ તેમના ઘેર તોડફોડ પણ કરી હતી અને આરોગ્ય પ્રધાનના રાજીનામાની માગણી કરી હતી.

You might also like