બિહાર જેવું ગઠબંધન યુપીમાં રચવા કોંગ્રેસ પ્રયત્નશીલ

નવી દિલ્હી: આગામી વર્ષે યોજાનારી ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ યુપીમાં પણ બિહાર જેવું મહાગઠબંધન બનાવવા પ્રયત્નશીલ હોવાનું જાણવા મળે છે. આ બાબતની જાણકારી નવી રણનીતિ બનાવવામાં સામેલ કેટલાક નેતાઓએ આપી છે.

જેડી(યુ)માં આરએલડીના વિલયથી રચાનારી પાર્ટીમાં અજિતસિંહ રાષ્ટ્રીય કક્ષાના સિ‌િનયર નેતા બની જશે તેમજ તેમના પુત્ર અને માજી સાંસદ જયંત ચોધરી પણ વિલય બાદ પાર્ટીના યુપી સ્ટેટ યુનિટના પ્રમુખ બની શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેટલાંક રાજકીય કારણો અને પક્ષના હિતને ધ્યાનમાં લઈને યુપીમાં ચૂંટણી લડતાં પહેલાં વિલયથી બનેલી જેડી(યુ) અને કોંગ્રેસમાં મહાગઠબંધન રચવું જરૂરી બની ગયું છે. બંને પાર્ટીઓએ રાજ્યમાં મજબૂત સ્થાન જમાવનાર એસપી, બીએસપી અને ભાજપ જેવી હરીફ પાર્ટીઓનો સામનો કરવા સંગઠિત બનવા સંકલ્પ કર્યો છે.

ગત વર્ષે જનતા પરિવારથી અલગ થયેલી તમામ પાર્ટીને મુલાયમસિંહના કારણે સંગઠિત કરી શકાઈ ન હતી. તેથી નીતીશકુમાર, અજિતસિંહ અને કોંગ્રેસ તમામ મુલાયમસિંહથી દૂર થઈ ગયા હતા. મુલાયમે બિહારમાં મહાગઠબંધન સામે તેમના ઉમેદવારને ઉતાર્યા હતા. બીએસપી સાથેના વિવાદથી યુપીમાં આરએલડી અને કોંગ્રેસ એસપી તથા બીએસપી ઉપરાંત ભાજપ સામે ત્રીજો મોરચો ખોલવા હાથ મિલાવે તેવી શકયતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અંગે વાતચીત ચાલી રહી છે. સંજોગોવશાત્ નીતીશકુમારના ચૂંટણી અભિયાનના રણનીતિકારમાંથી સલાહકાર બનેલા પ્રશાંત કિશોરને યુપી માટે કોંગ્રેસના ચૂંટણી અભિયાનના રણની‌િતકાર બનાવવામાં આવ્યા છે.

You might also like