બિહાર બોર્ડનાં પરિણામ અંગે અેક કરોડની ડીલ થઈ હતી

પટણા: બિહાર બોર્ડનાં પરિણામકાંડમાં અનેક વિગતો બહાર આવી રહી છે ત્યારે આ અંગે લાલકેશ્વર અને બચ્ચા વચ્ચે અેક કરોડની ડીલ થઈ હોવાનું તેમજ આ માટે સાયન્સનું પરિણામ બે વખત અને આર્ટસનું પરિણામ પાંચ વખત અટકાવવામાં આવ્યું હોવાનું બહાર આવ્યું છે.

લાલકેશ્વરના ખાસ ગણાતા સંજીવ ઝા અને અજિતે આવો ખુલાસો કર્યો છે. આ અગાઉ પ્રાચાર્ય શૈલકુમારી અને સંજિત મિશ્રાઅે પણ આ કાંડમાં પૈસાની લેવડદેવડ થઈ હોવાનું જણાવ્યું હતું. અને આવી ગેરરીતિને કારણે વિદ્યાર્થીઓને પરિણામ માટે રાહ જોવી પડી હતી. આ અંગે અેવું પણ જાણવા મળે છે કે જ્યારે બચ્ચાએ પૈસા આપવાની આનાકાની કરી હતી ત્યારે લાલકેશ્વરે પરિણામ રોકવાનું શરૂ કરી દીધું હતું. પરંતુ તેને એવું લાગવા લાગ્યું કે જો આમ કરવામાં આવશે તો બોર્ડ અધ્યક્ષ સામે પગલાં લઈ શકે છે. તેથી વધુ જોખમ લીધા વિના પટણા પૈસા મંગાવવાનું શરૂ કરી દીધું હતું.

લાલકેશ્વરને મનાવવા બચ્ચા કચેરીએ ગયો હતો એક માહિતી અનુસાર જ્યારે આ બાબતે લાલકેશ્વર માનતો ન હતો ત્યારે બચ્ચા રાય અધ્યક્ષના ઘેર પહોંચી ગયો હતો. અને પરિણામ જાહેર કરવા માટે તેને મનાવી લીધો હતો.

લાલકેશ્વરના અત્યંત નજીકના ગણાતા અજિત અને સંજિવે પોલીસને જણાવ્યું હતું કે તેઓ સમગ્ર સેન્ટરને જ મેનેજ કરી લેતા હતા.તેના બદલામાં લાલકેશ્વરને મોટી રકમ આપવામાં આવતી હતી. તેમજ પ્રવેશ અપાવવાનો ઠેકો પણ આ બંને દલાલોઅે લીધો હતો. પ્રવેશ માટેની કામગીરી પણ લાલકેશ્વર જ કરતો હતો અને આ બંને દલાલોની વાતચીત પણ તેની સાથે જ થતી હતી. પરંતુ જ્યારથી બોર્ડના પૂર્વ અધ્યક્ષ સામે ધરપકડની હિલચાલ શરૂ થઈ હતી ત્યારબાદ આ બંને દલાલોએ તેમનો સાથ છોડી દીધો હતો.

You might also like