બિહારમાં હવે સ્કૂલની તપાસ મહિલા પાસે કરાવાશે

પટણા: બિહારમાં દારૂબંધીમાં મહિલાઓની મહત્વની ભાગીદારીથી ગદગદિત થયેલા મુખ્યપ્રધાન નીતીશકુમારે હવે રાજ્યની વિવિધ શાળાઓની તપાસ કરવાની જવાબદારી સ્વયં સહાયતા સમૂહની મહિલાઓને સોંપવા નિર્ણય કર્યો છે. જેમાં તમામ શિક્ષકો પર આ મહિલાઓ વોચ રાખશે.ઈન્ટર પરિણામમાં ગરબડ થયા બાદ સરકારે આવો નિર્ણય લીધો હોવાનું માનવામાં આવે છે.

આ અંગે મુખ્યપ્રધાને પટણામાં ગઈકાલે યોજાયેલા જીવિકાના એક કાર્યક્રમમાં જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હવે રાજ્યની તમામ શાળામાં સ્કૂલમાં શિક્ષકો નિયમિત આવે છે કે નહિ, બાળકોને પૂરતો અભ્યાસ અને તાલીમ આપી રહ્યા છે કેમ, તથા મધ્યાહન ભોજનમાં વ્યવસ્થિત સંચાલન થઈ રહ્યું છે કે નહિ સહિતની અન્ય જવાબદારી સ્વયં સહાયતા સમૂહની મહિલાઓને સોંપવામાં આવશે.

રિપોર્ટને આધારે સરકાર કાર્યવાહી કરશે
મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું હતું કે સરકારે આવી મહિલાઓ પર વિશ્વાસ મૂકી તેમને આવી જવાબદારી સોંપી છે. આવી મહિલાઓ મધ્યાહન ભોજનમાં અપાતાં ભોજન અંગે ખાસ વોચ રાખશે.અને મહિનામાં અેક વાર જેતે શાળાઓમાં નિરીક્ષણ કરશે અને તે અંગે જે અહેવાલ તૈયાર કરશે તેના આધારે સરકારે જે તે શાળાઓ સામે કાર્યવાહી કરશે.

શિક્ષણ વ્યવસ્થા સુધારવા પ્રયાસ
મુખ્યપ્રધાન નીતીશકુમારે વધુમાં જણાવ્યું કે રાજયની શાળાઓમાં શિક્ષણ કાર્યમાં સુધારો થાય અને શિક્ષકો નિયમિત બને તથા બાળકોનુ ભણતર સુધરી શકે તે હેતુથી આવું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે આગામી દિવસોમાં શિક્ષણ વિભાગમાં અલગ વિભાગ બનાવવામાં આવશે.મુખ્ય સચિવના કાર્યાલયમાંથી તેની દેખરેખ રાખવામાં આવશે.
તેમણે કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતાં જણાવ્યું કે સરકારમાં બેઠેલા લોકો આજે વિકાસ પર્વ મનાવવામાં વ્યસ્ત છે.ત્યારે બિહારમાં દારૂબંધી લાગુ થતાં હાલ દરેક ઘરમાં પર્વનો માહોલ જોવા મળે છે.

You might also like