બિહારનું રાજકારણ દેશને કઈ દિશામાં લઈ જશે?

બિહારના દલિત રાજકારણમાં યાદવોનું પ્રભુત્વ અને બોલબાલા પહેલાંથી જ રહી છે. ૯૦ના દાયકામાં નીતીશકુમાર બિહારમાં આ પ્રભુત્વને ઘટાડવામાં કુરમી અને કોઇરી મતદારોને સંગઠિત કરવામાં આંશિક રીતે સફળ થયા હતા. ત્યાર બાદ તેમણે સોશિયલ એન્જિનિયરિંગનો નૂસખો અપનાવીને બે દાયકાથી પણ વધુ સમયથી તેઓ રાજકીય રોટલો શેકવામાં સફળ રહ્યા છે.

થોડા સમય પહેલાં બિહારના રાજકારણમાં બે મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા હતા. જેમાં ભાજપે પાંચ રાજ્યના પ્રદેશ અધ્યક્ષોની જાહેરાત કરી તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ જાહેરાત ઉત્તર પ્રદેશની હતી. ઉત્તર પ્રદેશમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપ દ્વારા કેશવપ્રસાદ મૌર્યને સંગઠનની જવાબદારી સોંપવાનો અર્થ નીતીશકુમાર દ્વારા બિહારમાં કરવામાં આવેલા પ્રયોગનું પુનરાવર્તન તો થવાનું નથી ને?

જો ઉત્તર પ્રદેશમાં મૌર્ય સાથે કુરમી અને કોઇરી જાતિના લોકોને જોડવામાં આવે તો તેમની સંખ્યા યાદવો કરતાં પણ વધુ થશે. તે રીતે નિશ્ચિતપણે ભાજપ ઉત્તર પ્રદેશમાં નીતીશ પ્રયોગના મૂળમંત્રની રણનીતિ સાથે ચૂંટણી લડવા માટે તૈયાર છે. નીતીશકુમાર જેડીયુના અધ્યક્ષ બનવા પાછળની રણનીતિ સ્પષ્ટ રીતે ત્રીજા વિકલ્પના નેતૃત્વને સંભાળવાની છે. ઉત્તર પ્રદેશમાં અજિતસિંહ અને ઝારખંડમાં બાબુલાલ મરાંડી જેવા નેતાઓ સાથે વાતચીત આગળ વધી રહેલી જોવા મળે છે.

મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા રાજ્યોમાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર થાય છે. ત્યાં ત્રીજા વિકલ્પ તરીકે પણ ગંભીર રણનીતિ ઘડવામાં આવી રહી છે. આ રાજ્યોમાં ત્રીજાે વિકલ્પ બનીને બહાર આવવું તુલનાત્મક રીતે સરળ ગણી શકાય. કારણ કે મતદારોનો મોટો સમૂહ ભાજપ અને કોંગ્રેસના લગભગ એક સરખા વાયદા, આશ્વાસનો અને માત્ર ભ્રામક વચનોમાં અટવાયેલા જોવા મળે છે. નીતીશ હાલ આ રાજ્યોના પ્રવાસની તૈયારીમાં વ્યસ્ત છે, પરંતુ આ આયોજનમાં કેટલાક યક્ષ પ્રશ્ન અવારનવાર બહાર આવી રહ્યા છે. જેમાં બિહારમાં મહાગઠબંધનનું શું થશે? રાષ્ટ્રીય સ્તર પર લાલુ-નીતીશની પાછળ રહી જશે?

રાહુલ ગાંધી આ પરિસ્થિતિને સહન કરી શકશે? જેવા વિવિધ પ્રશ્નો અને સમીકરણો ઊભાં થઇ રહ્યાં છે. જોકે વાસ્તવિકતા એ છે કે બિહારમાં હજુ પણ જેડીયુ અને રાજદ વચ્ચે શીતયુદ્ધ થાય તેવી સંભાવના જણાઇ રહી છે. તેમજ મુદ્દાને ચગાવવાની એકબીજા વચ્ચે રીતસરની હોડ લાગી છે. આ ઉપરાંત ઉદ્ઘાટન સમારોહમાં રિબન કાપવા તેમજ જશ લેવા માટેની દોડમાં જેડીયુ અને રાજદના નેતાઓ જોરશોરથી પ્રયાસ કરી રહેલા જોવા મળે છે ત્યારે નીતીશકુમારની દિલ્હી સુધી પહોંચવાની મહત્ત્વાકાંક્ષા કેટલી સફળ થશે તે તો સમય જ બતાવશે? જોકે એક સંભાવનાનો ઇનકાર થઇ શકતો નથી કે રાહુલ-પ્રિયંકાના નેતૃત્વમાં કોંગ્રેસ સાથે કેટલાક વધુ રાજકીય પક્ષો ઊભા થઇ શકે છે. જોકે કોંગ્રેસની વિડંબના એ છે કે અનેક રાજ્યોમાં તેનું ગઠબંધન અસહજ  સ્થિતિમાં છે એક તરફ કેરળમાં કોંગ્રેસે ડાબેરીઓના વિરોધમાં અનેક પ્રયાસો કર્યા છે ત્યારે પશ્ચિમ બંગાળમાં પણ ડાબેરીઓ સાથે હાથમાં હાથ મિલાવી મતદારોને રીઝવવામાં વ્યસ્ત છે.

આ સ્થિતિ માત્ર અજીબો ગરીબ નહીં, પરંતુ હાસ્યાસ્પદ ગણી શકાય. એ વાતમાં કોઇ શંકા નથી કે બે વર્ષમાં રાહુલે ખૂબ જ મહેનત કરી છે અને રાજકારણમાં કેટલાક એવા દાવપેચ પણ શીખી લીધા છે કે જે રાજનીતિજ્ઞો માટે જાણવા જરૂરી છે. લોકસભામાં રાહુલે આપેલા નિવેદન અને મોદી પર કરેલા કટાક્ષમાં વાકપટુતા જોવા મળી હતી અને સંઘર્ષ માટે તૈયાર રહેવાનાે ઉત્સાહ પણ દર્શાવ્યો હતો, પરંતુ હજુ તેનામાં ‌પરિપકવતાનો અભાવ જોવા મળે છે.

You might also like