બિહાર-જયપુરમાં હવામાન પલટાતાં વરસાદઃ તાપમાનમાં ઘટાડો

નવી દિલ્હી: બિહાર અને રાજસ્થાનના હવામાનમાં પલટો આવતાં બિહારમાં આંધી સાથે અને રાજસ્થાનમાં ચક્રવાતથી વરસાદ થતાં હવામાનમાં પલટો આવ્યો છે, જેમાં બિહારના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ થયો છે, જેના કારણે જનજીવન પર અસર થઈ છે.

બિહારના અનેક વિસ્તારમાં આંધી સાથે વરસાદ પડતાં કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયાં હતાં. આંધીના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો તેમજ અનેક જગ્યાએ હોર્ડિંગ્સ પણ પડી ગયાં છે. પટણામાં આંધી અને ગાજવીજ સાથે વરસાદ પડ્યાના અહેવાલ છે. આ જિલ્લામાં તંત્રએ સવારના છ થી નવ વાગ્યા સુધી એલર્ટ જારી કર્યું છે. વરસાદથી પટણાના તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. હવામાન વિભાગે ગઈ કાલે આગાહી કરી હતી કે રાજ્યમાં પટણા, ગયા, પૂર્ણિયા અને ભાગલપુરમાં આંશિક રીતે વાદળ ઘેરાયેલાં રહેશે તેમજ આંધી સાથે વરસાદ પડશે. તે રીતે આગાહી મુજબ રાજ્યના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદ થતાં જનજીવન પર માઠી અસર થઈ હતી.

દરમિયાન રાજસ્થાનમાં ચક્રવાતના કારણે જયપુરમાં વરસાદ પડતાં આ વિસ્તારમાં તાપમાનનો પારો નીચે જતાં લોકોએ ગરમીથી રાહત અનુભવી હતી. હવામાન વિભાગની આગાહી છે કે પશ્ચિમી વિક્ષોભના કારણે એક-બે દિવસ વરસાદ થવાની સંભાવના છે. જયપુરમાં મુહાના મંડી આસપાસના વિસ્તારમાં તેમજ માનસરોવર, સાંગાનેર, ટોક રોડ, જગતપુરા જેવા વિસ્તારમાં બે કલાક સુધી આંધી સાથે વરસાદ પડતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી.

http://sambhaavnews.com/

You might also like