માટી કૌભાંડમાં તેજપ્રતાપ સામે નવેસરથી તપાસ કરવા નીતીશ કુમારનો આદેશ

પટણા: મહાગઠબંધન સાથે છેડો ફાડીને ભાજપ સાથે મળીને ફરી બિહારમાં સત્તા હાંસલ કરનારા નીતીશકુમારે રાજ્યમાં સંજય ગાંધી બાયોલોજિકલ પાર્કમાં થયેલી કથિત ગેરરીતિ અંગે નવેસરથી તપાસ કરવા આદેશ આપતાં આગામી દિવસોમાં લાલુના પુત્ર તેજપ્રતાપની મુસીબતમાં વધારો થઈ શકે તેમ છે. આ કૌભાંડ તેજપ્રતાપ જ્યારે પર્યાવરણ અને વન પ્રધાન હતા ત્યારે આચરાયું હોવાના આક્ષેપ થયા છે.

વન વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે વન પ્રમુખ સંરક્ષકે વિભાગને માટીની ખરીદી સંબંધિત નવી ફાઈલો જમા કરાવી છે. અને હવે ટૂંક સમયમાં જ આ ફાઈલો મુખ્ય સચિવને સોંપવામાં આવશે. બીજી તરફ રાજ્યના નવા નાયબ મુખ્યપ્રધાન અને વિપક્ષના તત્કાલિન નેતા સુશીલ મોદીએ ગત ચોથી એપ્રિલે આ કૌભાંડ આચરાયાનો હોવાનો દાવો કર્યો હતો. જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે સગુણા વળાંક નજીક બની રહેલા એક મોલના ભોંયરામાંથી કાઢવામાં આવેલી માટીને સંજય ગાંધી જૈવિક ઉદ્યાનને 90 લાખમાં વેચવામાં આવી હતી. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે આ ખરીદી કોઈજ ટેન્ડર વિના કરવામાં આવી હતી. તેમજ આ મોલની બે એકર જમીન ડિલાઈટ માર્કેટિંગ કંપની પ્રાઈવેટ લિમિટેડ( હવે લારા પ્રોજેકટ એલએલપી) ની છે. તેમજ લાલુનો પુત્ર તેજપ્રતાપ અને તેજસ્વી યાદવ આ પેઢીના બોર્ડ ઓફ ડિરેકટરમાં સામેલ હતા.

You might also like